વિજલપોરનીS SVBકંપનીમાં થયેલ છેતરપિંડી પ્રકરણે દાવા રજૂ કરવાની મુદત સુધીમાં 9600થી વધુ રોકાણકારોએ કરોડો રૂપિયાના લેણાં બાકી હોવાના દાવા કર્યા છે.વિજલપોરમાં હેડ ઓફિસ ધરાવતી SSVBકંપનીએ અનેક સ્કીમો અમલી મૂકી હતી,જેમાં હજારો રોકાણકારોએ નાણાં મૂક્યા હતા.જોકે ચારેક વર્ષ અગાઉ નાણાકીય છેતરપિંડીની ફરિયાદ થવા લાગી હતી. બાદમાં રોકાણકારોના હિત અર્થે મામલો ગુજરાત પ્રોટેક્શન ઓફ ઈન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સ (જીપીઆઈડી)એક્ટ હેઠળ લવાતા જીપીઆઈડી મુજબ નવસારીની સંસ્કાર ભારતી સ્કૂલમાં રોકાણકારોના દાવાઓ 17 જાન્યુઆરી થી 15 ફેબ્રુઆરી દરમિયાન મેળવવામાં આવ્યા હતા.
મુદત દરમિયાન 9672 રોકાણકારોએ દાવાઓ રજૂ કર્યા
દાવા મેળવવાની મુદત પૂર્ણ થતાં કેટલીક જાણકારી બહાર આવી હતી. મુદત દરમિયાન 9672 રોકાણકારોએ દાવાઓ રજૂ કર્યા હતા.જેની કુલ રકમનો આંક તો હજુ નક્કી થયો નથી પણ કરોડો રૂપિયા થાય છે.જે દાવા થયા છે તેમાં 1 લાખ રૂપિયા યા તેથી વધુ રકમના પણ ઘણા હોવાની જાણકારી મળી છે.10 હજાર યા તેથી ઓછી રકમના દાવા ઓછા છે. જોકે રજૂ થયેલ દાવાઓમાં તમામ સાચા છે કે નહિ તે હાલ કહી શકાય નહીં. જોકે રોકાણકારોએ રસીદ વગેરે ડોક્યુમેન્ટ સાથે દાવા રજૂ કર્યા છે.