રાજ્યમાં કાળઝાળ ગરમીનું જોર મંગળવારે પણ યથાવત રહ્યું હતું. અમદાવાદ, રાજકોટ સહિતના મોટા શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થયો હતો. સાથે જ હવામાન વિભાગે ગરમીમાં બેથી ત્રણ ડિગ્રીના વધારા સાથે ત્રણ દિવસ આકરી ગરમીની આગાહી કરી છે. મંગળવારે સતત ત્રીજા દિવસે રાજકોટ અગનભઠ્ઠી બન્યું હતું.
રાજકોટમાં તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોંચ્યો હતો. રાજકોટમાં એપ્રિલ મહિનાના અત્યાર સુધીમાં એટલે કે 22 દિવસમાં 19 દિવસ તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર નોંધાયો હતો. હજુ આવનારા 3 દિવસમાં દરિયાકાંઠાવાળા વિસ્તારમાં ગરમ અને ભેજવાળા વાતાવરણની શક્યતા છે. 25 એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ મહત્તમ તાપમાન 40થી 43 ડિગ્રી જેટલું રહેશે.ભાવનગરમાં બપોરે તાપમાન 40 ડિગ્રીને આંબી ગયું હતું.