કોટડાસાંગાણી તાલુકાના શાપર ગામે આંગણવાડી કેન્દ્ર નં.8 આજે સૌરાષ્ટ્રની પ્રથમ આધુનિક આંગણવાડી કેન્દ્ર બની છે. અહીં દાતાઓના સહયોગથી બાળકોના સર્વાંગી વિકાસ માટેની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે જેનું ઉદ્ઘાટન જિલ્લા વિકાસ અધિકારી અને દાતાઓ દ્વારા કરી બાળકો માટે ખુલ્લી મુકાઇ છે.
આંગણવાડી કેન્દ્રમાં બાળકોના સર્વાંગી વિકાસનો પાયો નખાતો હોય છે. ત્યારે શાપરમાં હાલના સમય મુજબની આધુનિક આંગણવાડી દાતાઓના સહયોગથી ખુલ્લી મૂકવામાં આવી હતી. આંગણવાડી કેન્દ્ર નં.8 પહેલા ભાડાના મકાનમાં ચાલતી હતી, જેને ગ્રામપંચાયત દ્વારા પૂરતી જમીન ફાળવવામાં આવી છે. આ આંગણવાડી કેન્દ્રમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે હોલ બનાવવામાં આવ્યો છે જેમાં ટીવી અને મ્યુઝિક સિસ્ટમ, ઇન્ડોર રમત માટે એક રૂમ જ્યારે આઉટડોર રમત માટે મેદાન સાથે રમતોના સાધનો પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.