પરિણીતા ઉપર ત્રાસ આપવાના વધુ બનાવની રૈયા રોડ, શિવાજી પાર્કમાં આવેલા સુમતીનાથ એપાર્ટમેન્ટમાં રહેતા 54 વર્ષીય ઉર્મિબેન નામના પરિણીતાએ રૈયા રોડ પર સિટી ઇલાઇટ એપાર્ટમેન્ટમાં રહેતા પતિ કૌશિક કાંતિલાલ અજાબિયા સામે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. અઢી મહિનાથી અલગ રહેતા અને ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતા ઉર્મિબેનની ફરિયાદ મુજબ, તેમના લગ્ન તા.10-12-1993ના કૌશિક સાથે થયા છે. લગ્નજીવન દરમિયાન સંતાનમાં એક દીકરી, દીકરો છે. દીકરી પરિણીત છે.
લગ્ન બાદ જામનગર સંયુક્ત પરિવારમાં 10 વર્ષ રહ્યા બાદ રાજકોટ રહેવા આવ્યા હતા. પતિ કૌશિક નોકરી કયાંય લાંબી કરતા નહિ. જેને કારણે પોતે એમ.બી.એ. સુધીનો અભ્યાસ કર્યો હોય ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતા હતા. જેથી પોતે ઘર ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પતિ કોઇ કામધંધો કરતા ન હોવાને કારણે અવારનવાર પોતાની પાસે પૈસા માંગી ઝઘડાઓ કરતા રહેતા હતા.