રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધને એક વર્ષનો ગાળો પૂર્ણ થવા આવ્યો છે. બ્રિટિશ સંરક્ષણ મંત્રાલયનું માનવું છે કે આ ભીષણ જંગમાં અત્યાર સુધી આશરે ત્રણ લાખ લોકોનાં મોત થયાં છે. દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેન એકાએક યુક્રેન પ્રવાસે પહોંચી જતા રશિયા ભારે નારાજ છે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને મંગળવારે દેશના નામે સંબોધનમાં અમેરિકા પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે રશિયા યુદ્ધ ઇચ્છતું નહોતું. યુદ્ધને ટાળવા માટેના તમામ રાજદ્ધારી પ્રયાસો કર્યા હતા, પરંતુ નાટો અને અમેરિકાએ તેના પ્રયાસોને નિષ્ફળ કરી દીધા હતા.
અમે હજુ વાતચીત ઇચ્છીએ છીએ, પરંતુ આના માટે શરતો મંજૂર નથી. આની સાથે જ પુટિને અમેરિકાની સાથે રહેલી એકમાત્ર પરમાણુ સંધિને પણ તોડવાની જાહેરાત કરી હતી. આ સંધિ ‘ન્યૂ સ્ટાર્ટ ન્યુક્લિયર ટ્રીટી’ તરીકે ઓળખાતી હતી. પુટિને કહ્યું હતું કે જો અમેરિકા પરમાણુ હથિયારનાં પરીક્ષણ કરે છે તો રશિયા પણ આવું કરવા માટે તૈયાર છે. હકીકતમાં બંને દેશો વચ્ચે 2010માં આ પરમાણુ સમજૂતી પર સહમતી સધાઈ હતી.