ચાર વર્ષ પહેલા મ્યુચ્યુઅલ ફંડ માત્ર એક ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ તરીકે માત્ર કેટલાક શહેરી વિસ્તારો સુધી જ મર્યાદિત હતું. પરંતુ તાજેતરમાં પરંપરાગત બચત અને રોકાણ માટેના પ્રમુખ સાધન તરીકે ઉભરી રહ્યું છે. રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે તાજેતરમાં આ તથ્યને ઉજાગર કરતા કહ્યું કે ભારતીય પરિવાર પોતાની બચતનો એક હિસ્સો મ્યુચ્યુઅલ ફંડ, ઇન્સ્યોરન્સ ફંડ અને પેન્શન ફંડમાં રોકી રહ્યા છે. આંકડા પણ આ ટ્રેન્ડ તરફ ઇશારો કરે છે.
છેલ્લા ચાર વર્ષમાં એમએફ દ્વારા સંચાલિત ફંડનું મૂલ્ય પણ લગભગ ત્રણ ગણું વધ્યું છે. જ્યારે આ દરમિયાન બેન્ક ડિપોઝિટ માત્ર 1.6 ગણી જ વધી છે. તેને કારણે મ્યુચ્યુઅલ ફંડની એયુએમ હવે બેન્ક ડિપોઝિટના 29% સુધી પહોંચી ગઇ છે. તે માર્ચ 2020માં માત્ર 16%ના સ્તરે હતી.
જો કે MF AUM માં વૃદ્ધિ શેરબજારની તેજીને આભારી છે, તે તાજેતરના વર્ષોમાં ઇક્વિટી સ્કીમ્સના મજબૂત પ્રદર્શન અને સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (SIPs) ની વધતી જતી લોકપ્રિયતાને કારણે પણ છે. માર્ચ 2023 અને માર્ચ 2022 ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષોમાં, MFs એ ઘરની બચતના 6% થી વધુ હિસ્સો હાંસલ કર્યો હતો. આરબીઆઈના ડેટા અનુસાર, નાણાકીય વર્ષ 20-21માં આ આંકડો માત્ર 1.3% હતો.