પાકિસ્તાની યુટ્યૂબર સના અમજદનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં એક પાકિસ્તાની નાગરિક ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં વખાણ કરતો જોવા મળ્યો છે. આ વ્યક્તિનું કહેવું છે કે જો નરેન્દ્ર મોદી પાકિસ્તાનના વડાપ્રધાન હોત તો ત્યાંના લોકો યોગ્ય કિંમતે વસ્તુઓ ખરીદી શક્યા હોત.
વીડિયો બનાવનાર સનાએ જ્યારે તેને પૂછ્યું કે આજકાલ એક નારો સંભળાઈ રહ્યો છે- 'પાકિસ્તાન સે જિંદા ભાગો, ચાહે ઈન્ડિયા ચલે જા'... તો આ વ્યક્તિએ કહ્યું- કદાચ મારો જન્મ પાકિસ્તાનમાં ન થયો હોત. અહીંના લોકો કહે છે કે જો વિભાજન ન થયું હોત, તો અમે અમારી જરૂરિયાતની બધી વસ્તુઓ ઓછી કિંમતે ખરીદી શક્યા હોત અને દરરોજ રાત્રે અમારાં બાળકોને ખાવાનું ખવડાવી શક્યા હોત.
વીડિયોમાં તે પાકિસ્તાની પીએમ શાહબાઝ શરીફ વિરુદ્ધ બોલતા જોવા મળ્યો છે. તે કહે છે- જો અમે ભારતમાં હોત તો ટામેટાં 20 રૂપિયે કિલો લઈ શક્યા હોત, ચિકન અને પેટ્રોલ રૂ.150માં મળતાં હોત. એ પણ શરમજનક બાબત છે કે આપણને ઈસ્લામિક દેશ મળ્યો, પણ આપણે અહીં ઈસ્લામને લાગુ ન કરી શક્યા.
ભારતના લોકો મોદીને માન આપે છે અને અનુસરે છે
આ વ્યક્તિએ વધુમાં કહ્યું, 'મોદી અમારા કરતાં સારા છે. ભારતના લોકો તેમનું સન્માન કરે છે, તેમને ફોલો કરે છે. જો અમારી પાસે નરેન્દ્ર મોદી હોત તો અમારે નવાઝ શરીફ, બેનઝીર કે ઈમરાન કે જનરલ પરવેઝ મુશર્રફની જરૂર ન પડત. અમને તો બસ પીએમ મોદીની જરૂર છે. માત્ર તેઓ જ આ દેશનાં તોફાની તત્ત્વોને જવાબ આપી શકે છે.
તેમણે આગળ કહ્યું, 'ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે, જ્યારે અમે ક્યાંય પણ પહોંચી નથી શક્યા. એટલા માટે હું હવે પીએમ મોદીના નેતૃત્વમાં જીવવા માટે તૈયાર છું. મોદી એક મહાન વ્યક્તિત્વ છે, તેઓ ખરાબ વ્યક્તિ નથી. ભારતીય લોકોને ટામેટાં અને ચિકન વાજબી ભાવે મળી રહ્યાં છે, જ્યારે અમે અમારાં બાળકોને રાત્રે સરખું ખાવાનું પણ ખવડાવી શકતા નથી, ત્યારે અમે જે દેશમાં જન્મ્યા છીએ એના માટે અફસોસ થઈ રહ્યો છે.'