નવસારી-ડાંગ જિલ્લામાં વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ વખત સૌથી વધુ જગ્યાએ મતદાન બહિષ્કાર કરવાની જાહેરાત કરાઈ છે. વિધાનસભા, લોકસભા યા અન્ય ચૂંટણીઓ હોય ચૂંટણી બહિષ્કાર યા મતદાન બહિષ્કાર કરવાની જાહેરાત કરાય છે. જોકે જિલ્લામાં આવી ચીમકી અપાઈ હોય એવી સંખ્યા એકલદોકલ જ હોય છે પરંતુ આ વખતે સ્થિતિ અલગ જ જોવા મળી છે.
નવસારી અને ડાંગ જિલ્લો મળી કુલ 5 વિધાનસભા બેઠકો છે અને આમાંની લગભગ તમામ બેઠકોમાં કોઈક ને કોઈક જગ્યાએ ચૂંટણી બહિષ્કાર યા મતદાન બહિષ્કારની જાહેરાત કરી તેના બોર્ડ પણ લગાવી દેવાયા છે. કોઈક બેઠક ઉપર એક જગ્યાએ તો નવસારી, ડાંગ જેવી બેઠક ઉપર તો બે થી વધુ જગ્યાએ મતદાન બહિષ્કારની જાહેરાત થઈ છે.
જોકે બહિષ્કાર કરવાના કારણો તમામ જગ્યાએ અલગ અલગ છે. જિલ્લામાં વર્ષોથી અલગ અલગ ચૂંટણીના સાક્ષી રહેલ સિનિયર સિટીઝન પણ જણાવે છે કે આટલી બધી જગ્યાએ મતદાન બહિષ્કારની જાહેરાત ભૂતકાળમાં થઈ નથી. હાલ તો બહિષ્કારની જાહેરાત કરાઈ અને તેના બોર્ડ મુકાયા છે પણ આગામી સમયમાં મતદાન માટે સમજાવટ થાય અને મતદાન થાય કે નહીં તે જોવું રહ્યું.