રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાની મોનેટરી પોલિસી કમિટીની બેઠક ચાલી રહી છે ત્યારે નિષ્ણાંતોના મતે RBI આ વખતે રેપોરેટમાં કાપ મૂકવાને બદલે બેન્કો માટે કેશ રિઝર્વ રેશિયોમાં ઘટાડો કરશે તેવી શક્યતા છે. આગામી 6 ડિસેમ્બરના રોજ પોલિસીનું પરિણામ જાહેર થશે. અર્થતંત્રમાં મંદીના માહોલ વચ્ચે MPC સામે અર્થતંત્રમાં વૃદ્ધિને વેગ આપવા ઉપરાંત ફુગાવાને પણ નિયંત્રણ હેઠળ રાખવાનો બેવડો પડકાર છે.
14માં નાણાકીય પંચના સભ્ય અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક ફાઇનાન્સ અને પોલિસીના ભૂતપૂર્વ ડાયરેક્ટર ગોવિંદ રાવે જણાવ્યું હતું કે RBI કદાચ રેપોરેટ યથાવત રાખશે પરંતુ બેન્કિંગ સિસ્ટમમાં પૂરતી તરલતા સુનિશ્ચિત કરવા માટે કેશ રિઝર્વ રેશિયો ઘટાડી શકે છે.
MPC માટે આ વખતે નિર્ણય વધુ જટિલ છે. એક તરફ અર્થતંત્રમાં સ્લોડાઉનની સ્થિતિ છે, જે મોનેટરી પોલિસીમાં વધુ છૂટછાટની જરૂરિયાત પર ભાર મૂકે છે જ્યારે બીજી તરફ હેડલાઇન ફુગાવો ઊંચો રહ્યો છે, જેને નિયંત્રણમાં રાખવો પણ જરૂરી છે.
આઇકનિક વેલ્થ ખાતેના મુખ્ય મેક્રો અને ગ્લોબલ સ્ટ્રેટેજીસ્ટ અંકિતા પાઠકે જણાવ્યું હતું કે નાણાકીય સહાયની તાકીદ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે નાણાવર્ષ 2026થી નાણાકીય નીતિ વધુ કડક થઇ શકે છે.