ધોરાજી પોલીસની કારણ વગરની કનડગત અને ઘોંચપરોણાના લીધે વિરોધમાં ઝાંઝમેર ગામના લોકોએ અગાઉ કરેલી જાહેરાત મુજબ જ સ્વયંભૂ બંધ પાડ્યો હતો અને મામલો ગરમાય અને નાના મોટા કોઇ છમકલાં થાય તે પહેલાં જ જેતપુર ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઝાંઝમેર દોડી ગયો હતો અને દરમિયાનગીરી કરી સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો.
ઝાંઝમેર ગામે પોલીસ દ્વારા ખોટી કનડગત ચાલુ કરીને નબળા તેમજ મધ્યમ વર્ગના લોકોના વાહનો ટ્રાફિકમાં નડતરરૂપ ન હોવા છતાં ડિટેઇન કરીને કરાતી હેરાનગતિ બાબતે સ્થાનિક ગ્રામ પંચાયતના સરપંચ, ધોરાજી પોલીસ સામે લાગતા વળગતા સત્તાધીશોને રજૂઆત કરવાનું નક્કી કર્યા બાદ ધારાસભ્યને લેખિત રજૂઆત કરી હતી અને સરપંચ સાથે મળી ગામ બંધ રાખવાનું એલાન અપાયું હતું અને તેનો શુક્રવારે ગામલોકોએ અમલ કર્યો હતો. જો કે લોકોનો આક્રોશ જોઇ ડીવાયએસપી સહિતનો કાફલો દોડી ગયો હતો અને લોકોની રજૂઆતને શાંતિથી સાંભળી હતી અને મામલો થાળે પાડ્યો હતો.