હોળી-ધુળેટીના તહેવાર પર દારૂની રેલમછેલ કરવા સજ્જ બૂટલેગરોને સકંજામાં લેવા પોલીસ તંત્ર સજ્જ થયું છે. ત્યારે ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે મંગળવારે સવારે નાનામવા મેઇન રોડ પરથી દારૂ ભરેલા બોલેરો સાથે બે બૂટલેગર સહિત 4ને પકડી પાડ્યા હતા. બૂટલેગરોની પૂછપરછમાં બપોરે બેડી ગામે ગેરેજમાં સંતાડેલો વધુ દારૂનો જથ્થો કાઢી આપતા પોલીસે કુલ રૂ.6.32 લાખનો વિદેશી દારૂ કબજે કર્યો છે. તપાસમાં અમદાવાદના સપ્લાયરનું નામ ખૂલતા તેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
ક્રાઇમ બ્રાંચના હેડ કોન્સ.કનકસિંહ સોલંકી, મહિપાલસિંહ ઝાલાની ચોક્કસ બાતમીના આધારે નાનામવા મેઇન રોડ મોકાજી સર્કલ પાસેથી બોલેરો વાહન પકડી પાડ્યો હતો. બોલેરોના પાછળના ભાગે ઢાંકેલી તાડપત્રી હટાવી તપાસ કરતા નીચેથી રૂ.2,71,200ના કિંમતની વિદેશી દારૂની 240 બોટલ મળી આવી હતી. આ બોલેરોને એક્ટિવા પર પાઇલટિંગ કરતા જંક્શન પ્લોટના બૂટલેગર દિનેશ રાજકુમાર નીચાણી, માધાપરના વિજય હીરાનંદ લાલવાણીને તેમજ બોલેરોમાં બેઠેલા નવલનગરના વિનોદ રમેશ ચૌહાણ અને જંગલેશ્વરના હિતેન રાવ રામનારાયણ રાવ પાસીને પકડી પાડ્યા હતા.
પોલીસે ચારેય શખ્સની ધરપકડ કરી કુલ રૂ.5,96,200નો મુદ્દામાલ કબજે કર્યો હતો. બૂટલેગર દિનેશ અને વિજયની આકરી પૂછપરછમાં બંને પોપટ બની ગયા હતા અને બેડી ગામે વિશ્વકર્મા ટ્રક ગેરેજમાં બંધ હાલતમાં પડેલા કન્ટેનરમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડ્યો હોવાની કેફિયત આપી હતી. જેથી બપોરે પોલીસ ટીમ બેડી દોડી ગઇ હતી અને ગેરેજમાં રહેલા કન્ટેનરમાં સંતાડેલો રૂ.3,61,200નો વિદેશી દારૂની 498 બોટલ કબજે કરી હતી. પોલીસે બંને સ્થળેથી રૂ.6,32,200ના કિંમતની વિદેશી દારૂની 738 બોટલ કબજે કરી છે. બૂટલેગર દિનેશ, વિજયની પૂછપરછમાં તેમણે વિદેશી દારૂનો જથ્થો અમદાવાદના ભરત ખુશાલદાસ સોમૈયા પાસેથી મગાવ્યો હોવાની કબૂલાત આપી છે.