ઇક્વિટી માર્કેટમાં છેલ્લા કેટલાક સમયથી ઘટાડાની ચાલ જોવા મળી છે તેમજ હજુ 2023નું વર્ષ પણ વૈશ્વિક સ્તરે સ્લોડાઉનની સ્થિતી વાળું રહેશે તેવા અહેવાલ છતાં મ્યૂચ્યુઅલ ફંડમાં રિટેલ રોકાણકારોનો ઉત્સાહ જળવાઇ રહ્યો છે. શેરમાર્કેટમાં ભલે ઘટાડાનો ટ્રેન્ડ રહ્યો હોય પરંતુ મ્યુચ્યુઅલ ફંડમાં જાન્યુઆરી માસમાં રિટેલ રોકાણકારોનો હિસ્સો 9.3 ટકાની વૃદ્ધિ સાથે 23.4 લાખ કરોડની સપાટી પર પહોંચ્યો છે. મ્યુચ્યુઅલ ફંડ્સમાં રિટેલ રોકાણકારોની સંપત્તિનું મૂલ્ય જાન્યુઆરી 2022માં રૂ. 21.40 લાખ કરોડ રહ્યું હોવાનું એસોસિએશન ઑફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (Amfi)ના અહેવાલમાં દર્શાવ્યું છે.
જોકે સંસ્થાકીય રોકાણમાં ઘટાડો જોવા મળ્યો છે. સંસ્થાકિય રોકાણ મૂલ્ય જાન્યુઆરી 2022માં રૂ. 17.49 લાખ કરોડથી નજીવું ઘટીને જાન્યુઆરી 2023માં રૂ. 17.42 લાખ કરોડ નોંધાયું છે. એસેટ બેઝમાં વધારો મોટાભાગે એડવાન્સ્ડ એસઆઇપી (સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન)માં રોકાણ વૃદ્ધિનું પરિણામ છે જે આ વર્ષે જાન્યુઆરીમાં સતત ચોથી વખત રૂ. 13,000 કરોડની સપાટીને જાળવી રાખ્યું છે. એમ્ફીએ રિટેલ રોકાણકારોમાં મ્યુચ્યુઅલ ફંડ પ્રત્યે જાગૃતિ લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.