કર્ણાટકમાં એપ્રિલ-મેમાં સંભવિત રીતે યોજાનાર વિધાનસભા ચૂંટણીથી પહેલાં સત્તારૂઢ ભાજપે ચૂંટણીપ્રચારને તીવ્ર કરીને રાજકીય ગરમી જગાવી છે. આના ભાગરૂપે બુધવારે પાર્ટીના અધ્યક્ષ જે.પી. નડ્ડાએ ચામરાજનગરમાં વિજય સંકલ્પ યાત્રાને રવાના કરાવી હતી. ભાજપ આ પ્રકારની યાત્રાઓ પ્રદેશભરમાં યોજશે, જે 20 દિવસ સુધી ચાલશે. હવે સંરક્ષણમંત્રી રાજનાથસિંહ બીજી માર્ચે બેલગાવી જિલ્લાના નંદાગઢથી યાત્રાને રવાના કરશે. ગૃહમંત્રી અમિત શાહ ત્રીજી -ચોથી માર્ચે ચોથી યાત્રાની શરૂઆત બીદર જિલ્લાનાં બસવકલ્યાણ અને દેવનહલ્લીનાં અવાથીથી કરાવશે.
દેશમાં 27 જનજાતિ શોધ કેન્દ્ર ખૂલશે : ભાજપ અધ્યક્ષ
નડ્ડાએ કહ્યું છે કે સરકારે આદિવાસીઓ માટેના બજેટમાં 190 ટકાનો વધારો કર્યો છે. આદિવાસીઓના વિકાસનાં કાર્યોને દર્શાવવા માટે 27 જનજાતિ શોધ કેન્દ્રો ખોલવામાં આવશે. કેન્દ્ર સરકારની યોજના 36 હજાર આદિવાસી ગામોને આદર્શ ગામોમાં ફેરવી દેવાની છે.