રાજકોટ મનપા દ્વારા સરકારી પ્લોટમાં થયેલા દબાણો દૂર કરવાની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જેમાં જુદાં જુદાં હેતુના સરકારી પ્લોટમાં થયેલા ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે, ત્યારે આજે સામાકાંઠે વોર્ડ નં.18માં આવેલા બે પ્લોટમાંથી ગેરકાયદેસર દબાણો તોડી પાડી 35.61 કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી હતી. ચૂંટણી પહેલા મોટાભાગના સરકારી પ્લોટ ખાલી કરાવવાનાં હોવાથી આગામી દિવસોમાં પણ આ કામગીરીને વધુ વેગવંતી કરવામાં આવે તેવી શક્યતા છે.
મનપાની કડક કાર્યવાહી
મળતી માહિતી અનુસાર મ્યુ. કમિશનર આનંદ પટેલની સૂચનાથી આજે ઇસ્ટ ઝોનમાં વોર્ડ નં.18ના કોઠારીયા વિસ્તારમાં બે ડિમોલીશન રાખવામાં આવ્યા હતા. જેમાં ટીપી 12ના અંતિમ ખંડ નંબર 15માં પારડી રોડ ખાતેની રાધાકૃષ્ણ સોસાયટી નજીક એસઇડબલ્યુએસનો 5315 ચો.મી.નો પ્લોટ આવેલો છે. આ પ્લોટમાં સેન્ટીંગનો ડેલો, પ્લીન્થ અને ઓરડી બંધાઇ ગયા હતા. આ જગ્યાએ જમીનની પ્રતિ ચો.મી. કિંમત 67 હજાર જેટલી છે. આ 35.61 કરોડની જગ્યા ખુલ્લી કરાવીને કબ્જો લેવામાં આવ્યો હતો.