સિંગતેલના ડબ્બામાં ગુરુવારે વધારે રૂ.40નો ઉછાળો જોવા મળ્યો હતો. જેને કારણે સિંગતેલનો ડબ્બો રૂ.2940નો થયો હતો. જે 3 હજારે પહોંચવામાં માત્ર રૂ.60નું જ છેટું રહ્યું છે. જ્યારે કપાસિયા તેલમાં સ્થિર વલણ રહ્યું હતું. ડબ્બાનો ભાવ રૂ.1995 પહોંચ્યો છે. હાલ સીંગદાણામાં ડિમાન્ડ છે. જેને કારણે તેલિયારાજાઓ સક્રિય બન્યા છે. એક તરફ લોકોને સિંગતેલ મોંઘું ખરીદવું પડે છે, તો બીજી તરફ ખેડૂતોને મગફળી-સીંગદાણાના પૂરતા પૈસા મળતા નથી.
વેપારીઓના જણાવ્યાનુસાર ચીન સાથે હાલમાં સિંગતેલના વેપાર શરૂ થયા છે. ઘણા લાંબા સમય બાદ શરૂ થતા હાલ સીંગદાણામાં ડિમાન્ડ નીકળી છે. સિંગતેલમાં હજુ ભાવ વધવાની સંભાવના છે. ચીનમાં 2000થી 2100 ડોલરના ભાવે વેપાર થઈ રહ્યા છે. ભાવ વધવાને કારણે સ્થાનિક બજારમાં હોલસેલર અને રિટેઈલમાં ખરીદી નીકળી છે. ભાવ વધવાને કારણે સંગ્રહખોરો દ્વારા જરૂરિયાત હોય તેના કરતા માલ ઓછો રિલીઝ કરવામાં આવી રહ્યો છે. જેને કારણે ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.