અમેરિકન બિઝનેસમેન બિલ ગેટ્સ શુક્રવારે ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. તેમણે સ્વાસ્થ્ય, જળવાયુ પરિવર્તન, G20 પ્રેસિડેન્સી સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી. બિલ ગેટ્સે તેમના સત્તાવાર બ્લોગ 'ગેટ્સનોટ્સ'માં આ મિટિંગ વિશે લખ્યું અને ભારતના વખાણ કર્યા.
તેમણે લખ્યું કે હું આ અઠવાડિયે ભારતમાં છું. એવા સમયે જ્યારે વિશ્વ અનેક પડકારોથી ઘેરાયેલું છે, ત્યારે ભારત જેવા ગતિશીલ અને સર્જનાત્મક સ્થાને રહેવું પ્રેરણાદાયક છે. ભારત દુનિયાને બતાવી રહ્યું છે કે જ્યારે કોઈ ઈનોવેશનમાં રોકાણ કરે છે ત્યારે શું શક્ય છે. હું સ્વાસ્થ્ય, વિકાસ અને આબોહવા પરિવર્તન ક્ષેત્રોમાં ભારતની વૃદ્ધિ વિશે પહેલા કરતાં વધુ સકારાત્મક છું. હું આશા રાખું છું કે ભારત આ વૃદ્ધિ ચાલુ રાખશે અને વિશ્વ સાથે તેની નવીનતાઓ શેર કરવાનું ચાલુ રાખશે.