રાજકોટમાં જૂના યાર્ડમાં વધેલા શાકભાજી અને પાંદડાને કારણે નિકાલ સ્થળ અને પ્લેટફોર્મ પર ગંદકી ફેલાઈ જતી હતી. તેમજ દુર્ગંધની પણ ફરિયાદ ઉઠતી હતી પરંતુ હવે આ સમસ્યા જૂની બની છે. રાજકોટ યાર્ડમાં વધેલા શાકભાજીનો યોગ્ય નિકાલ થાય અને તેનાથી પર્યાવરણની પણ બચત થાય તે માટે ખાતર બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. હાલ આ પ્લાન્ટની કાર્યક્ષમતા 1500 ટનની છે જેની સામે 700 ટન ખાતર બને છે. હવે આગામી દિવસોમાં પેટ્રોલપંપની પણ સુવિધા ઊભી કરવામાં આવશે તેમ યાર્ડના વાઇસ ચેરમેન વિજયભાઈ કોરાટે જણાવ્યું છે.
વધુમાં તેના જણાવ્યાનુસાર અગાઉ હરાજી બાદ વધેલા શાકભાજીનો નિકાલ ત્યાં યાર્ડમાં જ કરવામાં આવતો હતો. ખાસ કરીને સૌથી વધુ ગંદકી પ્લેટફોર્મ પાસે થતી હતી ત્યાં જે શાકભાજી અને પાંદડા ફેંકી દેવામાં આવતા હતા તેના નિકાલની સૌથી મોટી સમસ્યા હતી. આ સમસ્યાનું નિરાકરણ આવે તે માટે ખાતર બનાવવાનો પ્લાન્ટ નાખવામાં આવ્યો છે. જો કે આગામી દિવસોમાં તેની કાર્યક્ષમતામાં પણ વધારો કરવામાં આવશે. પ્લાન્ટમાં જે ખાતર બને છે તેનો ઉપયોગ ખેડૂતો અને સામાન્ય લોકો કરી શકે તે માટે ખાસ કેન્દ્ર પણ ઊભું કરવામાં આવ્યું છે. આ કેન્દ્ર પરથી ખાતર ઉપલબ્ધ કરાવવામાં આવે છે. અત્યારે શિયાળુ શાકભાજી આવતું હોવાને કારણે ખાતર બનાવવાની કામગીરી પણ વધી છે. સવારથી સાંજ સુધી આ પ્લાન્ટ કાર્યરત રાખવામાં આવે છે. આગામી દિવસોમાં હવે યાર્ડમાં જ પ્લાન્ટ બનાવવામાં આવશે જેને કારણે ખેડૂતોની સુવિધામાંવધારો થશે.