રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવરાત્રી સુધીમાં તમામ રોડ રિપેર કરવા બધા તંત્રને સૂચના આપી છે. આ સૂચનાને કારણે તંત્ર ઊંધા માથે થયું છે કારણ કે, વરસાદમાં ડામરના પ્લાન્ટ શરૂ થતા નથી અને તેના વગર કામ થતું નથી તેથી જે જે પ્લાન્ટ શરૂ થયા છે તેમાંથી કામ થઈ રહ્યા છે.
બધાએ કામગીરી પૂરી થઈ જશે તેવા દાવા કર્યા
એક મહિનામાં કામ કેવી રીતે થશે અને હાલની સ્થિતિ શું છે તે જાણવા માટે રાજકોટ મહાનગરપાલિકા, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા, માર્ગ અને મકાન વિભાગ તેમજ જિલ્લા પંચાયત સહિતના તંત્ર સાથે વાત કરતા બધાએ કામગીરી પૂરી થઈ જશે તેવા દાવા કર્યા છે. જો કે હાલની સ્થિતિ જાણતા તંત્રના દાવા હકીકત બને તેવી શક્યતા ઓછી છે. રાજકોટ મહાનગરપાલિકાએ કરાવેલા સરવે મુજબ શહેરમાં 3500 ખાડા છે જેમાંથી અડધો અડધ કામ થઇ ગયું છે.
નાના માર્ગો પરનું કામ 7 દિવસમાં કામ પૂરું કરાશે
મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા જણાવે છે કે, 25000 ચોરસ મીટરથી વધુ જગ્યાઓમાં ડામરકામ કરી દેવાયા છે. મુખ્યમાર્ગો પર ખાડા છે તેને પ્રાથમિકતા અપાઈ રહી છે અને 80 ટકા કામ પૂરું થઈ ગયું છે. મુખ્યમાર્ગોમાં કામ પૂરા થયા બાદ શેરી અને નાના માર્ગો પર કામ હાથમાં લેવાશે અને 7 દિવસમાં કામ પૂરું કરાશે. આ ઉપરાંત 15 તારીખ બાદથી શહેરમાં જે નવા રોડ તેમજ જૂના રોડ છે તેના પર પેવરકામ પણ ચાલુ કરી દેવાશે.