રાજકોટમાં પ્રેમી પંખીડાએ સજોડે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. આ તાલુકાના ત્રંબા નજીક આવેલ વડાળી ગામે 23 વર્ષીય ગોપાલ મેરે પોતાની 16 વર્ષીય પ્રેમિકા સાથે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. આ બનાવ અંગે જાણ થતા આજી ડેમ પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
એક થઈ ન શકવાના ડરે ગળાફાસો ખાધો
પ્રાપ્ત વિગત મુજબ 23 વર્ષીય ગોપાલ મેર અને 16 વર્ષીય તેની પ્રેમિકા દ્વારા રાજકોટ ભાવનગર હાઇ-વે પર આવેલા વડાળી ગામ ખાતે સજોડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાની ઘટના સામે આવી છે. શહેરના મહિકા ગામના પાટીયા પાસે રાધિકા સોસાયટીમાં રહેતા ગોપાલ મેર તેમજ સદગુરુ સોસાયટીમાં રહેતી 16 વર્ષીય સગીરા વચ્ચે છેલ્લા ઘણા સમયથી પ્રેમ સંબંધ હતો. બંને એક જ જ્ઞાતિના હોવા છતાં પણ એક ન થઈ શકવાના ડરે પ્રેમી પંખીડાએ સજોડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
પરિવારજનોએ પણ સંતાનોની શોધખોળ હાથ ધરી
આજ રોજ બપોરના એક વાગ્યાના અરસામાં વડાળી ગામ ખાતે મરણ જનાર ગોપાલ મેરના ઘરે પ્રેમી પંખીડાએ આપઘાત કરી લીધાની જાણ પાડોશીઓને થઈ હતી. જેથી, તાત્કાલિક અસરથી 108ની ટીમને ઘટનાસ્થળ પર બોલાવવામાં આવી હતી. 108ની ટીમ દ્વારા બંનેને મરણ જાહેર કરવામાં આવ્યા હતા. 16 વર્ષીય સગીરા મૂળ જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના બાલાગામની વતની હોવાનું સામે આવ્યું છે. પ્રેમી પંખીડા ગુરૂવારના સાંજના 6 વાગ્યાથી જ પોતપોતાના ઘરેથી નીકળી ગયા હતા રાત્રે પણ ગોપાલ તેમજ પ્રેમિકા પોતાના ઘરે પરત ન ફરતા પરિવારજનો દ્વારા પોતપોતાના સંતાનની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.