રાજકોટ શહેર અને જિલ્લામાં આજે છેલ્લા 24 કલાકમાં ત્રણ લોકોના હાર્ટ-એટેકથી મોત નીપજ્યા છે. જેમાં બે યુવાન અને એક આધેડનો સમાવેશ થાય છે. રાજકોટ ગોંડલ હાઇવે પર આવેલ શાપરની એક કંપનીમાં કામ કરતા શ્રમિક જયશંકર વર્મા, તેમજ કોઠારિયા સોલવન્ટમાં રહેતા યુસુફ સમા અને નવલનગર-7માં રહેતા નિલેશ ઝાલાનું હાર્ટ-એટેકથી મોત નીપજ્યું છે.
હાર્ટ-એટેક આવતા યુવક ઢળી પડ્યો
રાજકોટ ગોંડલ હાઇવે પર શાપરમાં ક્રિએટિવ ફોર્સ નામની કંપનીમાં કામ કરતો જયશંકર શૈષરામ વર્મા (ઉં.વ.39) નામનો યુવક ગઇકાલ સાંજના સમયે પોતાને ગભરામણ થવાની ફરિયાદ કરી હતી. જે બાદ તે નજીકની ખાનગી હોસ્પિટલમાંથી દવા લીધા બાદ ઘરે આરામ કરતો હતો ત્યારે અચાનક ઢળી પડ્યો હતો. તેને સહકર્મી દ્વારા તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને કરી હતી. પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂર કાર્યવાહી હાથ ધરી હતી. જેના પ્રાથમિક રિપોર્ટમાં યુવકનું મોત હાર્ટ-એટેકથી થયું હોવાનું સામે આવ્યું છે. મૃતક મૂળ ઉત્તરપ્રદેશનો રેહવાસી હતો અને ચાર ભાઈમાં મોટો હતો. છેલ્લા પાંચ વર્ષથી અહીંયા કામ કરતો હતો.
જ્યારે બીજા બનાવમાં કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં રહેતા યુસુફ કરીમભાઈ સમા (ઉં.વ.38) નામના યુવકને ગઇકાલ સાંજના ઘરે હતો. ત્યારે અચાનક શ્વાસ ચડવા લાગ્યો હતો. પરિવાર દ્વારા તેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લાવતા હજાર ડોક્ટરે તપાસી મૃત જાહેર કર્યો હતો. આ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાયેવાહી હાથ ધરી હતી. મૃતક યુસુફનું મોત હાર્ટ-એટેકથી થયું હોવાનું સામે આવ્યું છે. તેઓ ખાનગી બસમાં ડ્રાઇવિંગનું કામ કરતા હતા. તેઓને બે દીકરા અને ત્રણ ભાઈ એક બહેનમાં નાના હતા. બનાવથી પરિવારમાં શોક છવાયો હતો.