વલસાડ શહેરમાં પૂર્વ પટ્ટીના ગ્રામ્ય વિસ્તારો અને ખેરગામ તાલુકા સહિતના 40 ગામના વાહનચાલકો માટે સેતુ સમાન છીપવાડ રેલવે અન્ડરપાસમાં નીચે વરસાદી પાણીના ખાબોચિયાથી તરબતર ખાડાઓ ઉભરાઇ રહ્યા છે.આ બિસ્માર રસ્તા પરથી પ્રતિદિન 8 હજારથી વધુ વાહનો પસાર થવા છતાં હજી સુધી મરામત કાર્ય ખોરંભે પડ્યું છે.આ અન્ડરપાસમાંથી પસાર થતા વાહનચાલકોને નવ નેજા પાણી ઉતરી રહ્યા છે.
વાહનચાલકોની હાલત કફોડી બની
ખેરગામ અને ગુંદલાવ હાઇવેથી અમદાવાદ,મુંબઇના વાહનો તથા ખેરગામ રોડ થઇ ગુંદલાવ ચોકડી થઇ હાઇવે પર જનારા વાહનોને ટૂંકા માર્ગે જવા માટે વલસાડ શહેરના છીપવાડ રેલવે અન્ડરપાસ પૂર્વ અને પશ્ચિમ દિશાની બંન્ને તરફથી આવવા જવા માટેનું મુખ્ય માધ્યમ હોવા છતાં અન્ડરપાસ નીચેના રસ્તાની હાલત ખખડધજ બની જતાં વાહનચાલકોની હાલત કફોડી બની રહી છે.અગાઉ ભારે પાલિકા અને રેલવે તંત્ર સામે ભારે વિરોધ નોંધાવવા છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી.