નવી દિલ્હી/શ્રીનગર ડોમેસ્ટીક ફ્લાઇટ્સના ભાડા આસમાને આંબતા કાશ્મીર સહિતના પ્રવાસસ્થળોએ લોકો બસમાં જવાનું પસંદ કરી રહ્યાં છે. દિલ્હીથી શ્રીનગર સુધીનું રિટર્ન વિમાનભાડું 25 હજારથી 40 હજાર સુધી પહોંચી ગયું છે. જે દુબઈ, થાઇલેન્ડ અને મલેશિયા કરતા પણ વધારે છે. વિદેશના આ સ્થળોનું વિમાનભાડું 18 હજાર રૂપિયા સુધીનું છે. શ્રીનગરમાં ગુજરાતથી આવેલા પ્રવાસી રાજેશે જણાવ્યું હતું કે અમે બસમાં કાશ્મીર આવ્યા છીએ. હાલના વિમાનભાડા દુબઈ કરતા પણ મોંઘા છે.
અન્ય એક પ્રવાસી વર્ષા મકવાણાએ કહ્યું હતું કે વિમાનની ટિકિટ 25 હજાર જેટલી હોવાથી અમે ટ્રાવેલ એજન્સીની મદદથી બસમાં પહોંચ્યા છીએ. વિમાનભાડામાં અસાધારણ વધારો થતા કેન્દ્ર સરકારે ભાડાના દરમાં ઘટાડો કરવા માટે એરલાઇન્સોને તાકીદ કરી છે. વિમાનભાડાને નિયંત્રીત કરવાની સરકારની કોઈ યોજના નથી એવી સ્પષ્ટતા કરતા નાગરિક ઉડ્ડયન મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે એરલાઇન્સો દ્વારા વેચવામાં આવતી લૉઅર અને અપર બકેટ્સ ટિકિટના દરમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે.
ગો ફર્સ્ટની નાદારી, ટેકનિકલ ખામીઓના લીધે ભાડાં વધ્યાં
ગો ફર્સ્ટ એરલાઇન્સે નાદારી માટેની પ્રક્રિયા શરૂ કર્યા બાદ એરલાઇન્સે 26 મે સુધીની ફ્લાઇટ્સ રદ કરી હતી. સાથે જ પ્રાટ એન્ડ વ્હીટની એન્જિન ઇસ્યુને કારણે ઇન્ડિગો એરલાઇન્સના કેટલાક વિમાનો ગ્રાઉન્ડેડ થયા હતા. જ્યારે સ્પાઇસજેટ પણ નાણાકીય સમસ્યાનો સામનો કરી છે. આ પરિબળોને પગલે વિમાનભાડામાં મોટો વધારો થયો છે.
દિલ્હી-લેહનું ભાડુ 125 ટકા વધ્યું : હાલ દિલ્હીથી લેહનું એવરેજ વન-વે ભાડુ 3થી 10 મે દરમિયાન 13,674 રૂપિયા થયું છે. જે 20-28 એપ્રિલની તુલનામાં 125 ટકાનો વધારો છે. એ જ રીતે દિલ્હીથી શ્રીનગરનું વન-વે ભાડુ 86 ટકા વધીને 16,898 રૂપિયા થયું છે.