દિલ્હી દારૂ પોલિસી કેસમાં ધરપકડ કરાયેલા મનીષ સિસોદિયાની જામીન અરજી પર આજે એટલે કે 10 માર્ચે બપોરે 2.30 વાગ્યે રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી થશે. જો કે, સિસોદિયાની જામીનની સુનાવણીના એક દિવસ પહેલા, ગુરુવારે મોડી સાંજે, EDએ તેમની મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી હતી. આજે ED પણ સિસોદિયાને કોર્ટમાં રજૂ કરશે, અહીં એજન્સી તેમના રિમાન્ડ માંગી શકે છે.
દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ સિસોદિયાની 8 કલાકની પૂછપરછ બાદ 26 ફેબ્રુઆરીએ CBI દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. 7 દિવસના CBI રિમાન્ડ બાદ કોર્ટે 6 માર્ચે સિસોદિયાને 20 માર્ચ (14 દિવસ) સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં તિહાર જેલમાં મોકલ્યા હતા. અહીં ED દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ પાસેથી દારૂની નીતિમાં મની લોન્ડરિંગ કેસની પૂછપરછ કરી રહી હતી. અગાઉ 7 માર્ચે એજન્સીએ તિહાર જેલમાં સિસોદિયાની 6 કલાક પૂછપરછ કરી હતી.
મનીષ સિસોદિયાએ જેલમાંથી દેશના નામે પત્ર લખ્યો
ભાજપના લોકો જેલમાં ધકેલી દેવાનું રાજકારણ કરી રહ્યા છે, અમે બાળકોને ભણાવવાનું રાજકારણ કરી રહ્યા છીએ. જેલમાં ધકેલવા સરળ છે, પણ બાળકોને ભણાવવા મુશ્કેલ છે. રાષ્ટ્ર શિક્ષણથી આગળ વધશે, જેલમાં મોકલવાથી નહીં. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સિસોદિયાના આ પત્રને ટ્વીટર પર શેર કર્યો હતો.