પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના પૂર્વ ચીફ લેફ્ટનન્ટ જનરલ ફૈઝ હમીદને સેનાએ કસ્ટડીમાં લઈ લીધા છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ફૈઝ હમીદની અટકાયત કરવામાં આવી છે. હાલમાં સેનાએ તેમનું કોર્ટ માર્શલ શરૂ કરી દીધું છે. ફૈઝ હમીદને પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના નજીકના માનવામાં આવે છે.
પાકિસ્તાનમાં આ પ્રથમ ઘટના છે જ્યારે ISIના ભૂતપૂર્વ વડાની અટકાયત કરવામાં આવી છે. ટોપ સિટી હાઉસિંગ કૌભાંડ કેસમાં ફૈઝ હમીદ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેની તપાસ માટે અટકાયત કરવામાં આવી છે.
ગયા વર્ષે 14 નવેમ્બરે પાકિસ્તાની સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે ફૈઝ હમીદ પર લાગેલા આરોપોને અવગણી શકાય નહીં. આ આરોપ ઘણો ગંભીર છે. કોર્ટે કહ્યું હતું કે જો ફૈઝ દોષિત સાબિત થશે તો તેનાથી દેશની સંસ્થાઓની પ્રતિષ્ઠાને નુકસાન થશે.
નિવૃત્તિ બાદ સેનાના નિયમોના ઉલ્લંઘનનો આરોપ
ફૈઝ હમીદ પાકિસ્તાન આર્મીમાં પેશાવરના કોર્પ્સ કમાન્ડર પણ રહી ચૂક્યા છે. તેમના પર નિવૃત્તિ બાદ પાકિસ્તાની સેનાના નિયમોનું ઉલ્લંઘન કરવાનો પણ આરોપ છે. ફૈઝ હમીદ પર ISI ચીફ તરીકે પદનો દુરુપયોગ કરવાનો આરોપ હતો.
આ આરોપોની તપાસ માટે સેનાએ એપ્રિલમાં એક તપાસ સમિતિની રચના કરી હતી. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે જવાબદારી નક્કી કરવા માટે આ સમિતિની રચના કરવામાં આવી હતી. એક મેજર જનરલ આ સમિતિનું નેતૃત્વ કરશે.