અંબાજી મંદિરમાં પરંપરાગત મોહનથાળનો પ્રસાદ બંધ કરવાના વિવાદાસ્પદ નિર્ણય સામે રાજ્યભરમાંથી ભક્તો, સંતો અને વિવિધ સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલા ઉગ્ર વિરોધના પગલે આખરે રાજ્ય સરકારને ફરી પ્રસાદમાં મોહનથાળ ચાલુ રાખવાનો નિર્ણય લેવો પડ્યો છે. જોકે, મોહનથાળની સાથે ચીકીનો પ્રસાદ પણ ચાલું રાખવામાં આવશે. મંગળવારે અંબાજી ટેમ્પલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, મંદિરના ભટ્ટજી, પૂજારી અને મંત્રીઓની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યોજેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે અંબાજી મંદિરમાં છેલ્લા 35થી 37 વર્ષની વ્યવસ્થામાં મોહનથાળનો પ્રસાદ અપાતો હતો.મોહનથાળની ક્વોલિટી જો સારી ન હોય તો તેમાં સૂચન આપીને એકધારી સારી ક્વોલિટી અને સારા પેકીંગમાં લોકો સુધી પહોંચે વિદેશ સુધી પણ પહોંચે તો ક્યારેય પ્રસાદ બગડી ગયો એવું સાંભળવા ન મળે એ પ્રકારનો પ્રસાદ બનાવવાની જ વાત હતી. ટ્રસ્ટે આ બાબતનો નિર્ણય માત્ર ક્વોલિટીના કારણે જ લીધો હતો. પરંતુ ગુજરાતભરના સંતો, સમાજોની, માતાજીના ભક્તોની લાગણી હતી કે પ્રસાદ ચાલું રાખો એટલે અમે ટ્રસ્ટ સાથે વાત કરી અને ક્વોલિટી સુધારવા માટે સૂચનો પણ આપ્યા છે.