અમેરિકામાં ગોળીબારની ઘટનાઓને કારણે શાળાઓમાં દહેશતનો માહોલ છે. આવી સ્થિતિમાં બાળકોને ફાયરિંગથી બચાવવા માટે શાળાઓ દ્વારા સુરક્ષાનાં પગલાં લેવાઇ રહ્યાં છે. ત્યારે અલ્બામામાં એક અનોખી પદ્ધતિ અપનાવાઈ છે. કુલમેનમાં સ્થિત વેસ્ટ એલીમેન્ટ્રી સ્કૂલના બે વર્ગખંડોને બુલેટપ્રૂફ બનાવ્યા છે. જેને ‘રેપિડ ડિપ્લોય સેફ રૂમ સિસ્ટમ’ નામ અપાયું છે.
શાળાને બુલેટપ્રૂફ બનાવવા માટે 60 હજાર ડોલર (લગભગ 50 લાખ રૂપિયા)નો ખર્ચ કરાયો છે. પ્રથમવાર અમેરિકાની કોઈ શાળામાં આવા સેફ રૂમ બન્યા છે.
તેની વિશેષતા એ છે કે સિક્યુરિટી સિસ્ટમથી વર્ગખંડોને એન્ટિ-બેલિસ્ટિક વાઇટબોર્ડ સેફ રૂમમાં પરિવર્તિત કર્યા છે. આ બોર્ડ બુલેટપ્રૂફ ફોલ્ડ-આઉટ મિની રૂમમાં બદલી શકશે.
લોકો એ કહ્યું - હથિયારો પર પ્રતિબંધ લગાવો
બુલેટપ્રૂફ રૂમનો ઘણા લોકો વિરોધ પણ કરી રહ્યા છે. એક યુવકે કહ્યું, અમારા જિલ્લાની શાળાની બસોનો ખર્ચ ઉઠાવી શકતા નથી અને તેની પાછળ હજારો ડોલરનો ખર્ચ કરવામાં આવ્યો છે. નાની જેલ બનાવવાને બદલે હથિયારો પર પાબંદી લાવવી જોઇએ.