તમિળનાડુમાં ભાજપ અને અન્નાદ્રમુક (એઆઇડીએમકે)ની વચ્ચે સંબંધ હવે ખૂબ તણાવપૂર્ણ થઇ ગયા છે. ગયા સપ્તાહમાં ભાજપ કાર્યકરોએ અન્નાદ્રમુક પ્રમુખ ઇ. પલાનીસ્વામીના ફોટો સળગાવીને તેના પર ગઠબંધન ધર્મને નહીં પાળવાનો આક્ષેપ કર્યો હતો. હાલમાં ભાજપના કેટલાક નેતાઓ પાર્ટી સાથે છેડો ફાડીને અન્નાદ્રમુકમાં જતા રહ્યા હતા. આના કારણે આ પ્રકારની ખેંચતાણની સ્થિતિ સર્જાઇ છે. 2019ની લોકસભા ચૂંટણી બાદથી ભાજપની સાથે ગઠબંધનમાં રહ્યા બાદ અન્નાદ્રમુક પાર્ટી ત્રણ ચૂંટણી હારી ચૂકી છે.
હાલમાં યોજાયેલી ઇરોડ પૂર્વ વિધાનસભાની પેટાચૂંટણીમાં અન્નાદ્રમુક-ભાજપ ગઠબંધનની હાર થઇ હતી. બંને પાર્ટીઓએ સાથે મળીને પ્રચાર ન કરતા ખેંચતાણના સંકેત મળી ગયા હતા. આના કારણે ડીએમકે-કોંગ્રેસ ગઠબંધનની શાનદાર જીત થઇ હતી. પાર્ટીના એક વર્ગના લોકો માને છે કે, ગઠબંધનના કારણે પાર્ટીને ખૂબ નુકસાન થયું છે. અન્નાદ્રમુકના એક વરિષ્ઠ નેતા કહે છે કે પાર્ટી સારી રીતે જાણે છે કે મહારાષ્ટ્ર, બિહાર, આસામ જેવાં રાજ્યોમાં પ્રાદેશિક ગઠબંધન સાથીઓ સાથે ભાજપના સંબંધ હમેશાં તંગ રહ્યા છે.
પાર્ટી ભાજપના નેતૃત્વમાં કામ કરી રહી છે તેવી ધારણા ઊભી કરવામાં ડીએમકે સફળ
રાજકીય નિષ્ણાત આર. રંગરાજન કહે છે કે અન્નાદ્રમુકના એક વર્ગના નેતાઓ માને છે કે ગઠબંધનના લીધે પાર્ટી રાજકીય રીતે હારી રહી છે. ડીએમકે લોકોની વચ્ચે એવી આ વાત ફેલાવવામાં સફળ છે કે અન્નાદ્રમુક ભાજપના નેતૃત્વમાં કામ કરે છે. અન્નાદ્રમુક સંકટમાં આવે છે ત્યારે તે રાષ્ટ્રીય પાર્ટી સાથે સમય મુજબ કોંગ્રેસ અથવા તો ભાજપ સાથે જોડાણ કરે છે. અન્નાદ્રમુક પાર્ટી રાજ્યમાં મજબૂત બની જાય છે ત્યારે ગઠબંધન પર દબાણ વધારે છે.