સોની બજારમાં ગોકુલ ચેમ્બરમાં પ્રમુખ આર્ટ નામની દુકાનમાંથી રવિવારે ગઠિયો યોગેશભાઇ રાણપરા નામના વેપારીની નજર સામેથી રૂ.6.56 લાખની કિંમતના 121 ગ્રામ વજનના સોનાના ઘરેણાં ચોરીને ભાગી ગયો હતો. બનાવને પગલે વેપારીએ પીછો પણ કર્યો હતો. પરંતુ ગઠીયો નાસી છૂટવામાં સફળ થયો હતો. નજર સામે જ દુકાનમાંથી સોનું ચોરી થઇ જતા વેપારી તુરંત ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદને પગલે પોલીસે બનાવ સ્થળ તેમજ સોની બજારના સીસીટીવી કેમેરા ચેક કરવાની કામગીરી કરી હતી. સીસીટીવી ફૂટેજમાં એક બુકાની બાંધેલો શખ્સ કેદ થયો હતો. જેથી પોલીસે આગળના સીસીટીવી કેમેરા તપાસવાની કાર્યવાહી કરી હતી. તે દરમિયાન સોમવારે પેલેસ રોડ પર પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ હાથ લાગતા તેની પૂછપરછ કરી હતી.
પૂછપરછમાં તે ભગવતીપરા મેઇન રોડ પર રહેતો રાજેશ ભૂપત વાસાણી હોવાનું જણાવ્યું હતું. ચોરી અંગેની પૂછપરછમાં શરૂઆતમાં પોતે અજાણ હોવાનું રટણ રટતા રાજેશ સામે પોલીસે આકરી પૂછપરછ કરતા તેને જ કળા કરી હોવાની કબૂલાત આપી હતી. પોલીસે તેની પાસેથી ચોરેલા રૂ.6.56 લાખની કિંમતના સોનાના ઘરેણાં કબજે કર્યા હતા.