વિશ્વના સૌથી મોટા દૂધ ઉત્પાદક દેશ ભારતમાં આ વર્ષે દૂધની વધુ આયાત કરવી પડશે. દૂધની માગ 7 ટકા વધી છે. જ્યારે ઉત્પાદનમાં માત્ર 1 ટકાનો વધારો થયો છે. તેથી દૂધ અને દહીંના ભાવ પણ વધી શકે છે. દૂધની આયાત માટે ઇમ્પોર્ટ ડ્યુટી દૂર કરવામાં આવી છે. ગત નાણાવર્ષે દૂધની આયાત 92 હજાર મેટ્રિક ટન હતી. આ વર્ષે તે 1 લાખ મેટ્રિક ટનથી પણ વધારે રહેવાની શક્યતા છે. વિશ્વના કુલ દૂધ ઉત્પાદનમાં ભારતનો હિસ્સો 24 ટકા છે. તેમછતાં દેશમાં દૂધની માગ પૂરી થઈ રહી નથી.
કોરોના દરમિયાન બ્રિડિંગ ન થઈ શકતા તથા લમ્પીના રોગચાળાને કારણે પશુઓનાં મોતથી પણ દૂધનું ઉત્પાદન ઘટ્યું હતું. સરકારી આંકડા અનુસાર લમ્પીથી દેશમાં 1.84 લાખ ગાયોના મોત થયા હતા. આ જ કારણોસર દૂધનો સપ્લાય ઘટ્યો હતો. બીજી તરફ ગત વર્ષે ડેરી ઉત્પાદનોની નિકાસ 39 ટકા વધી હતી. તેનાથી દૂધના ભાવ 15 ટકા વધીને 56 રૂપિયા થઈ ગયા હતા. ગત દાયકામાં થયેલો આ સૌથી ઝડપી વધારો છે.