મેક્સિકો સિટીમાં ગુરુવારે કુખ્યાત ડ્રગ કાર્ટેલનો ખૂની ખેલ ફરી સામે આવ્યો. સિટી હોલમાં થયેલા ગેંગવોર ગોળીબારમાં મેયર કોનરાડો મેન્ડોઝા સહિત 18 લોકોનાં મોત થયા. લગભગ 13 કરોડની વસતી ધરાવતું મેક્સિકો 40 વર્ષથી ડ્રગ કાર્ટેલની જાળમાં ફસાયેલું છે.
અહીં અફીણ, હેરોઈન અને મારિજુઆનાની દાણચોરી એક સમાનાંતર સરકાર તરીકે કામ કરે છે. મેક્સિકોની લગભગ 150થી વધુ કાર્ટેલ વાર્ષિક લગભગ રૂ.2.50 લાખ કરોડની ડ્રગ્સની દાણચોરી અમેરિકામાં કરે છે.કાર્ટેલ એટલે કે આ સંગઠિત ટોળકીઓ પાસે લગભગ 75 હજાર ગુંડાઓની પ્રાઈવેટ સેના છે. આ કાર્ટેલ વચ્ચે ખૂની સંઘર્ષ થતો રહે છે.
મેક્સિકોના ગૃહમંત્રાલયના રિપોર્ટ અનુસાર ગેંગવોરને કારણે દેશમાં દરરોજ સરેરાશ 120 મર્ડર થાય છે. કોરોનાકાળ દરમિયાન આ સંખ્યા 118 હતી. કોરોના કાળ દરમિયાન લૉકડાઉન છતાં મેક્સિકોમાં ડ્રગ્સના ધંધા પર કોઈ લગામ ન હતી. સિનાલોઆ કાર્ટેલ પાસે 600થી વધુ વિમાન અને હેલિકોપ્ટર છે. આ સંખ્યા મેક્સિકોની સૌથી મોટી એરલાઈન્સ એરો મેક્સિકોથી 5 ગણી છે. આ તમામ વિમાન કાર્ટેલે અમેરિકામાંથી ખરીદ્યા છે.
મેક્સિકો ગૃહમંત્રાલયના 2022ના રિપોર્ટ અનુસાર કાર્ટેલ પાસે એકે-47 અને એમ-80 જેવી એસોલ્ટ રાઈફલોનો જથ્થો છે. દર વર્ષે સુરક્ષા એજન્સીઓ દ્વારા ડ્રગ કાર્ટેલના કબજામાંથી 20 હજારથી વધુ એસોલ્ટ રાઈફલો પકડવામાં આવે છે. મેક્સિકો સરકાર કાર્ટેલ પાસેથી પકડેલા હથિયારોનો નાશ કરે છે. તેનો ઉપયોગ કરાતો નથી.