રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા ફરી એક વખત ભ્રષ્ટાચારને લઈને ચર્ચામાં આવી છે. ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ ટાઉન પ્લાનિંગ શાખાના અધિકારી મનસુખ સાગઠીયા સામે અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ થયો હતો ત્યારે હવે આ જ શાખાના ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જીનીયર અજય મનસુખભાઈ વેગડ વિરુદ્ધ એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા આવક કરતા વધુ સંપત્તિનો ગુનો દાખલ કરવામા આવતા ચકચાર મચી જવા પામી છે. આરોપીએ પોતાની નોકરીના 10 વર્ષના સમયગાળા દરમિયાન રૂ.75,21,093 એટલે કે આવક કરતા 38.76% વધુ અપ્રમાણસર મિલકત મળી આવી છે જ્યારે પોતાના અને પરિવારના બેંક ખાતામાં રૂ. 65.97 લાખ હોવાનો ઘટસ્ફોટ થયો છે.
લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્રારા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ-1988 (સુધારો-2018) અંતર્ગત સરકારી અધિકારી/કર્મચારીઓ દ્વારા ગેરકાયદેસર રીત રસમો અપનાવી કે સત્તાનો દુરઉપયોગ કરી પોતાની કાયદેસરની આવકના પ્રમાણમાં વધુ સંપત્તિ એકત્રિત કરવાના તેમજ પોતાના સગા-સબંધી કે સ્નેહીજનોના નામે સ્થાવર/જંગમ મિલ્કતોમાં રોકાણ કરવા બાબતે બેનામી સંપત્તિ અંગેના ધી પ્રોહિબીશન ઓફ બેનામી પ્રોપર્ટી ટ્રાન્જેકશન એકટ-1988 (સુધારા તા.31.10.2018) અંગેના વધુમાં વધુ કેસો શોધી કાઢવા બ્યુરો દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
આરોપી અજય મનસુખભાઈ વેગડ જે રાજકોટ મહાનગરપાલિકાની બાંધકામ શાખામાં સિવિલ શાખામાં વર્ગ- 2ના નાયબ કાર્યપાલક ઇજનેર છે અને તત્કાલીન આસીસટન્ટ ટાઉન પ્લાનર છે. જેમની અપ્રમાણસર મિલ્કત મળી આવી છે. જેની તપાસના ચેક પીરીયડ તા.1.04.2014થી તા.3.06.2024 સુધીના સમયગાળા દરમયાન મેળવવામાં આવેલ દસ્તાવેજી પુરાવાઓ તથા બેંક ખાતાની વિગતો અને વિવિધ સરકારી કચેરીઓમાંથી મેળવેલ દસ્તાવેજી માહિતી તથા તેમના નાણાંકીય વ્યવહારોનું વિશ્લેષણ એ.સી.બી.ના નાણાંકીય સલાહકાર દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં એવું સામે આવ્યું કે આરોપીએ પોતાની કાયદેસરની ફરજ દરમયાન પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરઉપયોગ કર્યો છે.