શહેરના ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ પાછળના ખોડિયારનગરમાં રહેતી સગીરાના એકતરફી પ્રેમીએ છેલ્લા આઠ મહિનાથી શરૂ કરેલા ત્રાસથી સગીરાના પરિવારજનો પરેશાન થઇ ગયા છે, બબ્બે વખત જાણ કરવા છતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરવાને બદલે સમાધાન કરાવીને રવાના કરતાં એકતરફી પ્રેમી બેફામ થયો હતો અને સગીરાના જન્મ દિવસની રાત્રીના તેના ઘર પાસે ઢગલાબંધ ગિફ્ટ મૂકીને જતો રહ્યો હતો.
ખોડિયારનગરમાં રહેતો વેપારીએ પરિવારજનોને આપવીતી વર્ણવતા કહ્યું હતું કે, તેમની પુત્રીનો ગત તા.4ના જન્મદિવસ હતો, તે દિવસે તે 18 વર્ષની થઇ, છેલ્લા આઠેક મહિનાથી તેમની આ સગીરવયની પુત્રીને રણુજા મંદિર પાસે રહેતો ધ્રુવ મકવાણા પરેશાન કરે છે, સગીરા ગુરુપ્રસાદ ચોક પાસે આવેલી કોલેજે અભ્યાસ માટે જાય છે ત્યારે ધ્રુવ કોલેજ પાસે અગાઉથી ફોર વ્હિલ લઇને ઊભો રહી જાય છે અને સગીરાને સંબંધ રાખવા બળજબરી કરે છે, ધ્રુવના ત્રાસ અંગે સગીરાએ પરિવારજનોને કહેતા સગીરાને તેનો નાનોભાઇ કોલેજે મૂકવા જવા લાગ્યો હતો.
તો ધ્રુવે તેના ભાઇને ધમકાવ્યો હતો અને દરરોજ સાંજ પડતાં ધ્રુવ સગીરાના ઘર પાસે ચક્કર મારવા લાગે છે, પંદર દિવસ પૂર્વે ઘર પાસે આંટા મારતો હતો ત્યારે સગીરાના પરિવારજનોએ ફોન કરતા માલવિયાનગર પોલીસ પહોંચી હતી, પોલીસ પહોંચે તે પહેલા ધ્રુવ નાસી ગયો હતો અને સગીરા તથા તેના પરિવારજનોના નિવેદનો નોંધી પોલીસે કોઇ કાર્યવાહી કરી નહોતી, આવું જ વધુએક વખત 181ની ટીમે કર્યું હતું.