સામાન્ય રીતે ભીંડાનો ઉપયોગ શાકભાજીમાં થતો હોય છે. પરંતુ આણંદ કૃષિ યુનિવર્સિટીએ ભીંડાની નવી જાત વિકસાવી છે. જેમાં ભીંડા નહી પરંતુ ફૂલ થાય છે. સંશોધકો દ્વારા નવીન જાતને આણંદ શોભા નામ આપ્યું છે, જે કિચન ગાર્ડન તેમજ તમારા લિવિંગ, ડ્રોઈંગ કે પછી બેડરૂમની ખરેખર શોભા વધારશે. તેમજ નવી વિકસાવેલી ભીંડાની જાતનું નામ શોભા રાખવામાં આવ્યું છે.
યુનિવર્સિટીએ ભીંડાની નવી જાત વિકસાવી
આણંદ કૃષિ યુનિવર્સિટીના સંશોધન નિયામક ડો. એમ. કે. ઝાલા અને તેની સાથે સંકળાયેલા વૈજ્ઞાનિક ડો. દીપક પટેલ, ડો. આકર્ષ પરિહાર, ડો. મહેશ વાજા સહિતની ટીમ દ્વારા છેલ્લાં કેટલાંય વર્ષોથી સંશોધન કરાતું હતું. પાંચ-છ વર્ષ પહેલાં ભીંડાના પાકમાં પીળી નસના રોગ સામે પ્રતિકારક જાત વિકસાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
પરંતુ ભીંડાની જંગલી જાતોનું વાવેતર હેઠળની જાતો સાથે સંકરણ કરતાં તેમાં સફળતા મળી નહોતી. જેથી આ જંગલી જાતનું અન્ય જંગલી જાત સાથે સંકરણ કરતાં તેમાંથી બે છોડ મળ્યા હતા. છોડનો ગહન અભ્યાસ કરતાં તે નર વંધ્ય માલુમ પડ્યાં હતા. પરંતુ આ નર વંધ્ય છોડના પુષ્પો ખૂબ જ આકર્ષક લાગતા હતા. દરમિયાન, કુલપતિ ડો. કથીરીયાએ આ જાતને ફૂલ છોડ તરીકે વિકસાવવા માટે માર્ગદર્શન આપ્યું હતું. આ જાતને ‘આણંદ શોભા’ નામ આપવામાં આવ્યું હતું.