અબડાસા તાલુકાના જખૌ બંદરની સામે આવેલા ખિદરત ટાપુ, પિંગલેશ્વર, સિંધોડી, સુથરીના સાગરકાંઠે માત્ર બે દિવસમાં જ 5 ડોલ્ફીન અને 2 કાચબા મૃત હાલતમાં મળી આવ્યા હતા ,જેની પાછળનું કારણ માછીમારો દ્વારા વાપરવામાં આવતી પ્રતિબંધિત જાળી હોવાનું બહાર આવ્યું છે.
તાજેતરમાં અબડાસાના આરીખાણાથી પિંગલેશ્વર વચ્ચેના દરિયાકાંઠે 45 ફૂટ લાંબી બ્લૂવ્હેલ માછલી મૃત તણાઇ આવી હતી. ત્યારબાદ સિંધોડી પાસે પણ આવી જ માછલી મૃત મળી આવી હતી. છેલ્લા 7 દિવસમાં જ આઆરીખાણા, પિંગલેશ્વર, સિંધોડી, સુથરી, જખૌ, ખિદરત ટાપુ વિસ્તારમાં 40 જેટલા દરિયાઇ જીવ મૃત હાલતમાં તણાઇને સાગરકાંઠે મળી આવ્યા છે. ડીકેપોસ એટલે કે, કોહવાયેલા મૃતદેહના પોસ્ટમોર્ટમ શક્ય ન હોઇ કિનારા પર જ દરિયાઇ જીવોના લોહીના નમૂના લઇને દફનાવાય છે. જો કે, ડોલ્ફીન માછલી અને મહાકાય કાચબાના શરીર પર માછીમારી માટે વપરાતી પ્રતિબંધિત જાળી મળી આવી હતી. માછીમારો જાળી નકામી થયા બાદ તેનો યોગ્ય નિકાલ ન કરી દરિયામાં જ ફેંકી દેતા હોય છે.