નવરાત્રિના છેલ્લા નોરતે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબે ઘૂમ્યા હતા. કિંજલ દવે, કીર્તિદાન ગઢવી, જીગરદાન ગઢવી અને જયસિંહ ગઢવી જેવા કલાકારોએ પોતાના હિટ ગીતોથી ખેલૈયાઓને ડોલાવ્યા હતા. જ્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કેસરિયા નવરાત્રિ 3.0માં 'દ્વારિકાનો નાથ' ગીત ગાઈને ખેલૈયાઓનું દિલ જીતી લીધું હતું. જોકે, મોડી રાત્રે અમદાવાદીઓએ ઓસ્વાલના ફાફડા-જલેબી ખાવા માટે લાઈનો લગાવી હતી, તો રાજકોટમાં બોલિવૂડ સોંગ પર ખેલૈયાઓએ બૂમ પડાવી હતી. નવસારીમાં ફ્યુઝન ગરબા અચાનક બંધ થતાં ખેલૈયાઓને વિલા મોઢે પરત ફરવું પડ્યું હતું.
કિંજલ દવેના 'મોર બની થનગાટ કરે' પર ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા સુરતના યશ્વી નવરાત્રિમાં કિંજલ દવેની સ્ટેજ પર એન્ટ્રીએ માહોલને ગરમાવ્યો હતો. કિંજલ દવેએ 'મોર બની થનગાટ કરે' ગીત ગાઈ ખેલૈયાઓ ડોલાવ્યા હતા. તો બીજી તરફ કેસરિયા નવરાત્રિ 3.0માં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી અને ખેલૈયાઓના કહેવા પર 'દ્વારિકાનો નાથ' ગીત ગાઈને તેમનો અલગ અંદાજ દેખાળ્યો હતો. જયસિંહ ગઢવીના તાલે ખેલૈયાઓ હિલોળે ચડ્યા, જ્યારે મેયર દક્ષેશ માવાણી અને પૂર્વ મેયર હેમાલી બોઘાવાલા પણ યશ્વી નવરાત્રિમાં ગરબે ઘૂમ્યા હતા. ખોડલધામમાં પારિવારિક નવરાત્રિમાં ખેલૈયાઓની રમઝટ જોવા મળી, જ્યારે પુષ્પા 2 સ્ટાઈલમાં યુવક અને 'જય શ્રીરામ'ના ઝંડા સાથે ગરબા રમતા ખેલૈયાઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.