2022-23 દરમિયાન મ્યુચ્યુઅલ ફંડ દ્વારા દેશના ઇક્વિટી માર્કેટમાં મોટા પાયે રોકાણ જોવા મળ્યું હતું. રિટેલ રોકાણકારોના મજબૂત પ્રતિસાદ અને માર્કેટમાં જોવા મળેલા કરેક્શનને કારણે વેલ્યૂએશનમાં સુધારો થવાને કારણે મ્યુચ્યુઅલ ફંડે ઇક્વિટીમાં રૂ.1.82 લાખ કરોડનું રોકાણ કર્યું હતું.
ગત નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન મ્યુચ્યુઅલ ફંડ દ્વારા ઇક્વિટીમાં રૂ.1.81 લાખ કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું. એકવાર યુએસમાં ફુગાવો ઘટે અને યુએસ ફેડ રિઝર્વ નાણાકીય નીતિમાં ફેરફાર કરે એટલે ચાલુ નાણાકીય વર્ષ માટે ઇક્વિટીના પરફોર્મન્સમાં વધુ સુધારો જોવા મળશે. વૈશ્વિક સ્તરે મોટા ભાગના વિકસિત અર્થતંત્રમાં વૃદ્ધિમાં ઘટાડાના અણસાર વચ્ચે લાંબા ગાળે ભારતનું પ્રદર્શન સુધરશે તેવી શક્યતા છે.
ફુગાવા વચ્ચે નોંધપાત્ર રિટર્ન માટે ઇક્વિટી માર્કેટની પસંદગી
દેશમાં ફુગાવા વચ્ચે પણ રોકાણકારોને નોંધપાત્ર રિટર્ન આપવામાં ઇક્વિટી માર્કેટ સફળ રહ્યું છે. NSEના બેન્ચમાર્કનું છેલ્લા 22 વર્ષનું પરફોર્મન્સ દર્શાવે છે કે જે રીતે રોકાણકારો સમજે છે એટલું ઇક્વિટી માર્કેટ જોખમી નથી પરંતુ ફુગાવા દરમિયાન પણ મજબૂત રિટર્ન આપે છે. ઇતિહાસમાં માત્ર ચાર વખત નિફ્ટીએ રોકાણકારોને નેગેટિવ રિટર્ન આપ્યું છે.