કોરોનાથી બેહાલ ચીનમાં એક ઘટના બની છે. આ આશ્ચર્યચકિત કરતી ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક હોટલમાં એક વ્યક્તિ પોતાની કાર લઈને ઘૂસી ગયો હતો. તે કાચ તોડીને જ સીધો અંદર ઘૂસી ગયો હતો. આના કારણે તે હોટલનો દરવાજો અને અંદર રાખેલો સામાન તૂટી ગયો હતો.
સોશિયલ મીડિયામાં આ વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયો શાંઘાઈનો છે. એક વ્યક્તિ હોટલના સ્ટાફની સાથે બોલાચાલી થઈ હતી. જેના કારણે તેણે ગુસ્સામાં પોતાની સ્પોર્ટ્સ કાર ચલાવીને લોબી સુધી લઈ ગયો હતો. પોલીસે જણાવ્યું છે કે ચેન નામના વ્યક્તિની ધરપકડ કરી દેવામાં આવી છે.
એક ઑફિસરે કહ્યું હતું કે 28 વર્ષના ચેન શાંઘાઈની એક લક્ઝરી હોટલમાં રોકાયો હતો. તે પોતાનું લેપટોપ લઈને ત્યાં રોકાયો હતો. પરંતુ પછીથી તેનું લેપટોપ મળ્યું નહોતું. તેની ફરિયાદ તેણે હોટલ સ્ટાફને કરી હતી. થોડીવાર પછી તે બૂમો પાડવા લાગ્યો હતો અને સ્ટાફની સાથે બોલાચાલી કરવા લાગ્યો હતો. પછી તે ગુસ્સામાં બહાર ગયો અને પોતાની સ્પોર્ટ્સ કાર લઈને દરવાજાનો કાચ તોડીને અંદર ઘૂસી ગયો હતો.