અંબાજી મંદિરમાં ચીકી અને મોહનથાળ વચ્ચેનું દ્વંદ્વ માંડ શમ્યું ત્યાં ફરીથી મોહનથાળને લઇને વિવાદ ખડો થયો છે. બનાસકાંઠાના તોલમાપ વિભાગે અંબાજી મંદિરના વહીવટદારને પત્ર લખીને કહ્યું છે કે અહીં મંદિરની ગાદી પરથી વેચાતા મોહનથાળને લઇને ફરિયાદ મળી છે, તે અન્વયે તમારે કાર્યવાહી કરવી જોઇએ. તોલમાપ વિભાગે મંદિરના વહીવટદારને કહ્યું છે કે આ પ્રસાદના પેકેટ પર ઉત્પાદકનું નામ, પિનકોડ સાથેનું સરનામું, વજન, કિંમત, મોહનથાળ બનાવ્યાની તારીખ અને એક્સપાઇરી ડેટ વગેરેનો ઉલ્લેખ હોવો જોઇએ.
ફરીથી મોહનથાળને લઇને વિવાદ ખડો થયો
આ બાબતે તોલમાપ વિભાગના ઇન્સ્પેક્ટર વી.વી. ચૌધરીએ જણાવ્યું કે અમારા ધ્યાનમાં આવ્યું હતું કે અંબાજી મંદિરમાં વેચાતો મોહનથાળનો પ્રસાદ પેકેટ પર જરૂરી ઉલ્લેખ ધરાવતો નથી. આ અગાઉ પણ એકાદ અઠવાડિયા પહેલા જ્યારે મંદિરમાં વેચાતા પ્રસાદ સંદર્ભે જ્યારે અમારી વહીવટદાર સાથે બેઠક થઇ હતી ત્યારે આદર્શ પ્રમાણ હોવું જરૂરી છે તેમ કહેવાયું હતું. તેમ છતાં આ મંદિરની ગાદી પરથી વેચાતા પ્રસાદમાં ક્યાંક આ બાબત ધ્યાનમાં આવતાં અમે વહીવટદારને પત્ર લખ્યો છે.