શહેરની જુદી જુદી બેંકના ભરણામાં બોગસ ચલણી નોટ ધાબડી દેવાનો સિલસિલો યથાવત્ રહ્યો છે. વિવિધ બેંકોમાંથી મળતી બોગસ ચલણી નોટ મુદ્દે પોલીસના સ્પે.ઓપરેશન ગ્રૂપને તપાસ કરવાના અગાઉ હુકમ થયા હોવા છતાં હજુ સુધી પોલીસ તંત્ર દ્વારા બેંકના ભરણામાં બોગસ ચલણી નોટ ધાબડી જનાર શખ્સો સામે કાર્યવાહી નથી. ત્યારે વધુ એક ખાનગી બેંકમાં છેલ્લા સાત મહિનામાં અજાણ્યા ગ્રાહકો ભરણામાં રૂ.1,56,360ના રકમની જુદા જુદા દરની બોગસ ચલણી નોટ ધાબડી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
ખાનગી બેંકના અધિકારીએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં તેમની શહેરમાં આવેલી જુદી જુદી બ્રાંચમાં ગ્રાહકો દ્વારા રૂ.2 હજારના દરની 22, રૂ.500ના દરની 149, રૂ.200ના દરની 101, રૂ.100ના દરની 168, રૂ.50ના દરની 17 અને રૂ.10ના દરની એક નોટ મળી કુલ 458 બોગસ ચલણી નોટ બેન્ક ભરણામાં ધાબડી ગયાનું જણાવ્યું છે. જેની ફરિયાદ બાદ ભક્તિનગર પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.