બાળકોમાં થતાં સંક્રમણથી બચવા માટે આપવામાં આવતી દવાઓની અસર ઘટી રહી છે. જર્નલ ધ લેન્સેટ રિજનલ હેલ્થ-સાઉથઈસ્ટ એશિયામાં પ્રકાશિત રિસર્ચ મુજબ ભારત સહિત વિશ્વના ઘણા ભાગોમાં બાળકો અને ન્યુમોનિયા, સેપ્સિસ અને મેનેન્જાઇટિસ એટલે કે મગજનો તાવ જેવા સામાન્ય ચેપ માટે આપવામાં આવતી ઘણી એન્ટિબાયોટિક્સ દવાઓ હવે 50 ટકાથી પણ ઓછી અસરકારક રહી છે.
મોટી વાત એ છે કે આ દવાઓની ભલામણ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ પણ કરી છે. રિપોર્ટમાં કહેવાયું છે કે આ માટે વધતું એન્ટિબાયોટિક પ્રતિરોધ (એન્ટીમાઈક્રોબાયલ રેસિસ્ટેન્સ) જવાબદાર છે, જે ભારત સહિત અન્ય દેશોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. ત્યારે એશિયા-પ્રશાંત ક્ષેત્રમાં સ્થિતિ વધુ ચિંતાજનક છે, જ્યાં બેક્ટેરિયા આ દવાઓ પ્રત્યે પ્રતિરોધી થઈ રહ્યા છે.
દક્ષિણ-પૂર્વ એશિયા અને પ્રશાંત ક્ષેત્ર સાથે ઇન્ડોનેશિયા અને ફિલિપાઈન્સમાં સ્થિતિ સૌથી વધુ ખરાબ છે, જ્યાં એન્ટિબાયોટિક્સ પ્રતિરોધને કારણે દર વર્ષે હજારો બાળકોનાં મૃત્યુ થયાં છે.