આજે અખાત્રીજ છે. ખરીદી અને લગ્ન માટે વણજોયું મુહૂર્ત ગણાય છે તેથી વેપાર- ધંધામાં સામાન્ય દિવસ કરતા આજે સવાઈ ખરીદી થશે તેવો અંદાજ છે. આજના દિવસે સોના ચાંદી, ત્રાંબા- પિતળના વાસણો, વાહન, મિલકતની ખરીદી કરવાનો લોકો આગ્રહ રાખતા હોય છે. વેપારીઓના જણાવ્યાનુસાર આજે શહેરીજનો અને ગ્રામ્ય વિસ્તાર બન્નેની ખરીદી એક સરખી રહેશે. સોના ચાંદી, ઈલેક્ટ્રિક-ઈલેક્ટ્રોનિક માર્કેટ, મોબાઈલ સહિતના ક્ષેત્રમાં ખરીદી રહેતા 30 દિવસનો વેપાર એક દિવસમાં થાય તેવો અંદાજ સેવાઈ રહ્યો છે. અખાત્રીજ અને ગણેશ ચોથમાં વાહનની ડિલિવરી મળે તે માટે લોકોએ એડવાન્સ બુકિંગ કરાવી લીધા હતા. ટુ-વ્હીલરમાં સૌથી વધુ ડિમાન્ડ છે તેમ ઓટો ડિલર જણાવી રહ્યા છે.
ખરીદી- પૂજા માટે શુભ ચોઘડિયા: શુભ સવારે 8.00 થી 9.30 સુધી, ચલ 12.45 થી થી 2.22, લાભ 2.22 થી 3.58, અમૃત 3.58 થી 5.34, બપોરે અભિજીત મુહૂર્ત. 12.20 થી 1.11, રાત્રિના શુભ ચોઘડિયા, લાભ 7.078 થી 8.33, શુભ 9.58 થી 11.21, સાંજે પ્રદોષ કાળ નો શુભ સમય 7.08 થી. 9.23.
આજે 1000 થી વધુ મિલકતના સોદા થશે, દસ્તાવેજ નોંધણી માટે સોમવારે ધસારો થશે
રિઅલ એસ્ટેટ માર્કેટમાં હાલમાં કોર્મશિયલ અને રેસિડેન્સીયલ બન્નેમાં ડિમાન્ડ એકસરખી જ જોવા મળે છે. એક અંદાજ મુજબ રાજકોટમાં આજે 1000 થી વધુ મિલ્કતોના આજે સોદા થશે. રૂ. 15 લાખથી લઇને રૂ. 2 કરોડ સુધીની મિલ્કતની ખરીદી આજ રોજ થશે તેમ રાજકોટ બિલ્ડર એસો.ના વાઇસ પ્રેસિડેન્ટ દિલીપભાઈ લાડાણી જણાવે છે. આજે શુભ મૂહૂર્તમાં ખરીદી થશે પરંતુ સબ રજિસ્ટ્રાર કચેરીમાં રજા હોવાને કારણે તેના દસ્તાવેજ નહિ થાય. આથી, સોમવારે સબ રજિસ્ટ્રાર કચેરીમાં નોંધણી માટે ધસારો જોવા મળશે.