રાજકોટ શહેરની બેંકોના ભરણામાં અવાર-નવાર નકલી ચલણી નોટો ઘુસાડી દેવામાં આવતી હોય છે. દરમિયાન મોરબી રોડ પર આવેલી આઇસીઆઇસીઆઇ કરન્સી ચેસ્ટ બેંકમાં આ શાખામાં તથા સૌરાષ્ટ્ર-કચ્છની શાખાઓમાંથી એપ્રિલ, 2021થી સપ્ટેમ્બર, 2024 સુધીમાં આવેલી ચલણી નોટોની તપાસણી થતાં તેમાંથી 7.92 લાખની ચલણી નોટ નકલી હોવાની બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાં રૂપિયા 100, 200, 500 અને 2000ના દરની ચલણી નોટ નકલી હોવાનું ખૂલ્યું છે. બેંક મેનેજરની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
શહેરના બી-ડિવીઝન પોલીસે રૈયા રોડ વૈશાલીનગર-6 માં રહેતાં અને મોરબી રોડ પર આવેલી આઇસીઆઇસીઆઇ કરન્સી ચેસ્ટ બેંકમાં બ્રાંચ મેનેજર તરીકે ફરજ બજાવતાં સંદિપભાઇ ગુણવંતભાઇ ગઢેચા (ઉ.વ.40)ની ફરિયાદ પરથી મોરબી રોડની આઇસીઆઇસીઆઇ બેંકમાં નાણા જમા કરાવી જનારા ગ્રાહકો અને અજાણ્યા વિરૂધ્ધ બીએનએસની કલમ 179 મુજબ રૂપિયા 7,92,850ની નકલી ચલણી નોટો નંગ 2247 ખોટી હોવા છતાં ખરી તરીકે જમા કરાવી જવાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.