ભારતીય ગ્રાન્ડમાસ્ટર ડી ગુકેશ વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો છે. આવું પરાક્રમ કરનાર તે વિશ્વનો સૌથી યુવા ખેલાડી બન્યો, તેની ઉંમર માત્ર 18 વર્ષની છે. તેણે 14મી ગેમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચીનના ડીંગ લિરેનને હરાવ્યો હતો. આ સાથે સ્કોર 7.5-6.5 થયો અને ગુકેશ ચેમ્પિયન બન્યો.
બુધવારે વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપની 13મી રમતમાં ગુકેશને 68 ચાલ બાદ ડ્રો રમવી પડી હતી. ત્યારબાદ સ્કોર 6.5-6.5 પર બરાબર રહ્યો હતો. ગુકેશે ત્રીજી, 11મી અને 14મી ગેમ જીતી હતી. જ્યારે લિરેન પ્રથમ અને 12મી ગેમ જીતી હતી. બાકીની તમામ મેચ ડ્રો રહી હતી.
ગુકેશ ચેસનો વર્લ્ડ ચેમ્પિયન બનનાર ભારતનો બીજો ખેલાડી બન્યો. તેના પહેલા વિશ્વનાથન આનંદ 2012માં ચેસ ચેમ્પિયન બન્યા હતા. ગુકેશ ચેસ ઈતિહાસમાં સૌથી યુવા વર્લ્ડ ચેમ્પિયન બન્યો, તે માત્ર 18 વર્ષનો છે. અગાઉ, તેણે 17 વર્ષની ઉંમરે FIDE કેન્ડીડેટ્સ ચેસ ટુર્નામેન્ટ પણ જીતી હતી. ત્યારે તે આવું કરનાર સૌથી યુવા ખેલાડી પણ બની ગયો.