પંજાબ કિંગ્સ (PBKS)એ IPL 2025ની 69મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI)ને 7 વિકેટે હરાવ્યું. આ જીત સાથે ટીમે હાલની સિઝનમાં પોઇન્ટ્સ ટેબલના ટૉપ-2માં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. હાલમાં, PBKS ટીમ 19 પોઇન્ટ્સ સાથે ટેબલની ટોચ પર છે. પંજાબ હવે 29 મેના રોજ ક્વોલિફાયર-1 રમશે. બીજી તરફ, આ હાર બાદ મુંબઈએ 30 મેના રોજ એલિમિનેટર રમવું પડશે.
જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં પંજાબે ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી. મુંબઈએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 184 રન બનાવ્યા. પંજાબે 185 રનનો ટાર્ગેટ 18.3 ઓવરમાં 3 વિકેટે ચેઝ કરી લીધો. કેપ્ટન શ્રેયસ અય્યયરે ટ્રેન્ટ બોલ્ટના બોલ પર છગ્ગો ફટકારીને ટીમને જીત અપાવી. તે 16 બોલમાં 26 રન બનાવીને અણનમ રહ્યો. જોશ ઇંગ્લિસ (73 રન) અને પ્રિયાંશ આર્ય (62 રન)એ ફિફ્ટી ફટકારી. બંને વચ્ચે 109 રનની ભાગીદારી કરી. MI તરફથી મિચેલ સેન્ટનરે બે વિકેટ ઝડપી, જ્યારે જસપ્રીત બુમરાહને એક વિકેટ મળી.
મુંબઈ તરફથી સૂર્યકુમાર યાદવે 39 બોલમાં 57 રનની ઇનિંગ રમી, જેમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગા સામેલ હતા. બાકીના બેટર્સ 30 રનનો આંકડો પાર કરી શક્યા નહીં. પંજાબના અર્શદીપ સિંહ, માર્કો યાન્સેન અને વિજયકુમાર વૈશાખને 2-2 વિકેટ મળી.