Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

આંગણવાડીને બાળ ઘડતરનું પ્રથમ પગથિયું માનવામાં આવે છે. હાલ વિજ્ઞાન અને ટેક્નોલોજીના યુગમાં શાળાઓ સ્માર્ટ થઇ રહી છે ત્યારે આંગણવાડીને પણ હાઈટેક બનાવવા પ્રયત્નો થઇ રહ્યા છે. બાળકનો પાયો બાળપણથી જ મજબૂત બને તો આગળ જતા તે વધુ સારું અને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે. અત્યાર સુધી જે બાબતો બાળકો ચોપડીઓમાં જોઈને શીખતા હતા તે હવે આંગણવાડીની દીવાલોમાંથી જ શીખી શકાશે. આંગણવાડીની દીવાલો જાણે બાલ ચિત્રાવલિ બની હોય એમ રાજકોટ જિલ્લાની 50 જેટલી આંગણવાડીનું પ્રોજેક્ટ ‘સોનેરી બાળપણ’ હેઠળ નવીનીકરણ કરાયું છે.


જેમાંથી હવે બાળકો કક્કો, એબીસીડી, આપણું શરીર, પશુ-પક્ષી,પ્રાણી, ફૂલોના નામ, ઋતુચક્ર દીવાલના આકર્ષક ચિત્રોમાંથી શીખશે.બાળકો પ્રાથમિક શિક્ષણ મેળવે તે પહેલાં તેના આરોગ્ય અને શિક્ષણનું ધ્યાન રાખવાના હેતુ સાથે જિલ્લાના દરેક ગામમાં નાના બાળકો માટે આંગણવાડી કેન્દ્રની યોજના અમલમાં મુકાઈ છે. જેમાં પાંચ વર્ષથી નાની વયના બાળકો હોંશભેર આંગણવાડીમાં દાખલ થાય અને ગમ્મત સાથે જ્ઞાન મેળવે તે માટે આંગણવાડી કેન્દ્રોને આકર્ષિત બનાવવા હેતુસર જિલ્લા પંચાયત દ્વારા પ્રોજેક્ટ ‘સોનેરી બાળપણ’ યોજના અમલી કરાઈ છે.

આ પ્રોજેક્ટ હેઠળ નાના ભૂલકાંઓ માટે આંગણવાડી કેન્દ્રોના બિલ્ડિંગની ડિઝાઈન અને કલરકામ ઉપર ખાસ ધ્યાન આપીને આકર્ષક બનાવવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લાની 50 આંગણવાડીઓમાં રૂ.15 લાખનું કલરકામ-નવીનીકરણનું કામ કરવામાં આવ્યું છે. રાજકોટ તાલુકાની 4, ગોંડલ તાલુકાની 9, ઉપલેટા તાલુકાની 4, જેતપુર તાલુકાની 4, ધોરાજી તાલુકાની 4, જામકંડોરણા તાલુકાની 4, પડધરી તાલુકાની 4, કોટડાસાંગાણી તાલુકાની 4, જસદણ તાલુકાની 4 અને વીંછિયા તાલુકાની 4 આંગણવાડીનું નવીનીકરણ કરવામાં આવ્યું છે.