Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

કેરળમાં રાજ્ય સરકાર એલડીએફ(લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ) અને રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન વચ્ચે વિવાદ વધતો જઈ રહ્યો છે. કેરળની એલડીએફ સરકારના જારી કરાયેલા 11 વટહુકમ પર રાજ્યપાલે હસ્તાક્ષર નથી કર્યા જેનાથી 8 ઓગસ્ટે તે તમામ રદ થઈ ગયા. જ્યારે રાજ્યપાલનો આરોપ છે કે રાજ્ય સરકાર વિધાનસભાની અવગણના કરી વટહુકમોના માધ્યમથી શાસન ચલાવવા માગે છે.

માહિતી અનુસાર સમયની અછતને કારણે રાજ્યપાલે આ વટહુકમો પર હસ્તાક્ષર નથી કર્યા. રાજ્યપાલે કહ્યું કે આ વટહુકમોની ફાઈલો એ જ દિવસે અપાઈ જે દિવસે તે આઝાદીના અમૃત મહોત્સવની સમિતિની બેઠકમાં સામેલ થવા દિલ્હી જઈ રહ્યા હતા.

હવે રાજ્ય સરકાર વિવાદને ખતમ કરવા પ્રયાસ કરી રહી છે. રાજ્યપાલે આ વટહુકમોને ફરીવાર લાગુ કરવાની ના પાડી દેતા રાજ્ય સરકારે 22 ઓગસ્ટથી 10 દિવસ માટે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાની માગ કરી છે જેથી રદ થયેલા વટહુકમોને વિધાનસભાના માધ્યમથી કાયદામાં બદલી શકાય. બહુમતીમાં હોવાને કારણે તે આવું કરવામાં સફળ થઈ શકશે.

વિધાનસભા અધ્યક્ષ એમ.બી.રાજેશ રાજ્યપાલની રાજધાની તિરુવનંતપુરમ પહોંચવા પર વિશેષ સત્ર માટે આગ્રહ કરશે. સરકારને લાગે છે કે રાજ્યપાલને વિધાનસભાના વિશેષ સત્ર સામે કોઈ વાંધો નહીં હોય. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કેબિનેટની બેઠકમાં અનેકવાર કહ્યું છે કે રાજ્યપાલનું વલણ અસમાન્ય છે પણ કોઈ નેતાએ બુધવારે અને ગુરુવારે જાહેરમાં કોઈ ટિપ્પણી નહોતી કરી. આ દરમિયાન રાજ્યપાલે દિલ્હીમાં કહ્યું કે જો રદ કરાયેલા વટહુકમ વિધાનસભામાં રજૂ કર્યા વિના તેમની સામે ફરીવાર આવશે તો તે તમામ વટહુકમોને સમજ્યા બાદ જ જો યોગ્ય લાગશે તો ફરીવાર લાગુ કરશે.

સાથે જ રાજ્યપાલે એ આરોપો પણ ફગાવ્યા જેમાં કહેવાયું હતું કે રાજ્યપાલ સરકારના એ વટહુકમ પર નારાજ હતા જેના માધ્યમથી રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં રાજ્યપાલની તમામ સત્તાઓ કુલપતિ તરીકે ખતમ થઈ જશે. રાજ્યપાલે એમ પણ કહ્યું કે વટહુકમ ત્યારે લવાયા અને સહી કરવા દબાણ કરાયું જ્યારે વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું હતું. મારા હસ્તાક્ષર બાદ તેને ગૃહમાં રજૂ કરવાની જરૂર હતી પણ હવે ફરીવાર તેને લાગુ કરવા માટે મારી સામે લવાયા છે.

અગાઉ રાજ્યપાલે કેરળ યુનિવર્સિટીના ઉપકુલપતિની નિમણૂક માટે એક સમિતિની રચના કરી હતી. જ્યારે કેરળ સરકાર એવો વટહુકમ લાવી રહી હતી જેમાં રાજ્યપાલ તરીકે કુલપતિના રાજ્યની યુનિવર્સિટીઓમાં તમામ અધિકાર ખતમ કરાયા હતા. તેમાં કેરળ લોકાયુક્ત(સુધારા) બિલ પણ છે.

કન્નુર યુનિવર્સિટીમાં અનિયમિતતાનો આરોપ
કન્નુર યુનિવર્સિટીના મલયાલમ વિભાગમાં મુખ્યમંત્રીના ખાનગી સચિવની પત્ની પ્રિયા વર્ગીઝની એસોસિએટ પ્રોફેસર પદે નિમણૂકને લઇને 9 મહિનાથી વિવાદ ચાલી રહ્યો છે. સેવ યુનિવર્સિટી કેમ્પેન કમિટીએ અનિયમિતતાનો આરોપ લગાવતા અરજી કરી હતી. આરોપ છે કે તે યોગ્ય માપદંડો પર ખરી નથી ઉતરતી.