નવા વર્ષના પહેલાં જ દિવસે મણિપુરમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી હતી. અહીં સોમવારે સાંજે થૌબલના લેંગોલ પહાડી વિસ્તારમાં 3 લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જ્યારે 11 લોકો ઘાયલ થયા છે. આ ઘટનાથી રોષે ભરાયેલા લોકોએ ત્રણ કારને આગ ચાંપી દીધી હતી.
તાજેતરની હિંસા બાદ, થૌબલ, ઇમ્ફાલ ઇસ્ટ, ઇમ્ફાલ વેસ્ટ, કાકચિંગ અને બિષ્ણુપુર જિલ્લામાં ફરી કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. માર્યા ગયેલા લોકો પંગાલ (મુસ્લિમ) હોવાનું કહેવાય છે. ઘટના બાદ વિસ્તારમાં તણાવનો માહોલ છે. કેટલાક મીડિયા રિપોર્ટમાં માર્યા ગયેલા લોકોની સંખ્યા 4 દર્શાવવામાં આવી છે.
પ્રશાસનનો દાવો છે કે હિંસા પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ખંડણી સંબંધિત મામલો હોવાનું જણાય છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે, બદમાશોનું એક જૂથ પૈસા પડાવવા માટે હથિયારો સાથે આવ્યું હતું. તેમની ઓળખ હજુ સુધી થઈ નથી.
સીએમ એન બિરેન સિંહે એક વીડિયો સંદેશમાં હિંસાની નિંદા કરી હતી અને લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી. તેમણે શાસક પક્ષના તમામ મંત્રીઓ અને ધારાસભ્યોની ઈમરજન્સી બેઠક પણ બોલાવી છે.
મણિપુર 2023માં ચર્ચામાં રહ્યું. ગયા વર્ષે 3 મેથી અહીં હિંસા ચાલી રહી છે. અહીં હિંસામાં 180થી વધુ લોકોનાં મોત થયા હતા. લગભગ 60 હજાર લોકો બેઘર બન્યા છે.