હાલ પિતૃ પક્ષ ચાલી રહ્યો છે અને આ દિવસોમાં પિતૃઓ માટે પિંડદાન, શ્રાદ્ધ અને તર્પણ કરવાની પરંપરા છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે તર્પણ કરતી વખતે હાથમાં જળ લઇને અંગૂઠા તરફથી પિતૃઓને ચઢાવવામાં આવે છે. જે લોકોની મૃત્યુ તિથિ જાણતાં નથી, તેમનું શ્રાદ્ધ કર્મ પિતૃ પક્ષની અમાસના દિવસે કરી શકાય છે. આ વર્ષે અમાસ 25 સપ્ટેમ્બરના રોજ છે.
હસ્તરેખા જ્યોતિષમાં પણ આ પરંપરાનું કારણ ઉલ્લેખવામાં આવ્યું છે
શ્રાદ્ધ કર્મ કરતી સમયે પિંડ ઉપર અંગૂઠાની મદદથી ધીમે-ધીમે જળ ચઢાવવામાં આવે છે. માન્યતા છે કે, અંગૂઠાથી પિતૃઓને જળ આપવાથી તેઓ તૃપ્ત થાય છે અને તેમની આત્માને શાંતિ મળે છે. હસ્તરેખા જ્યોતિષ પ્રમાણે હથેળીમાં અંગૂઠા અને તર્જની(ઇન્ડેક્સ ફિંગર)ના મધ્ય ભાગના કારક પિતૃ દેવતા હોય છે. તેને પિતૃ તીર્થ કહેવામાં આવે છે.
જીવિત લોકોને હથેળી અંદર તરફ કરીને ભોજન પીરસવામાં આવે છે, જ્યારે મૃત વ્યક્તિઓ માટે જળ અર્પણ કરતી સમયે અંગૂઠા તરફથી જળ ચઢાવવામાં આવે છે. પિતૃ દેવતાનું સ્થાન આપણી દુનિયામાં નથી. અંગૂઠાથી જળ ચઢાવવાનો એક અર્થ એવો પણ થાય છે કે, પિતૃઓ માટે આ એક સંકેત છે કે હવે તમારું સ્થાન મનુષ્ય દુનિયામાં નથી, બીજી દુનિયામાં છે. હથેળીથી જળ ચઢાવીને આપણે તેમના માટે બીજી દુનિયાનો ઇશારો કરીએ છીએ.
કુશને પવિત્ર કહેવામાં આવે છે. કુશ એક વિશેષ પ્રકારનું ઘાસ છે. માત્ર શ્રાદ્ધ કર્મમાં જ નહીં, અન્ય બધા કર્મકાંડમાં પણ કુશને અનામિકામાં ધારણ કરી શકાય છે. તેને પહેરવાથી પૂજન કર્મ માટે પવિત્ર થઇ જવાય છે. કુશમાં એક ગુણ હોય છે, જે દૂર્વામાં પણ હોય છે. આ બંને જ અમરતા આપનારી ઔષધિ છે, તે શીતળતા પ્રદાન કરે છે.
આયુર્વેદમાં તેમને એસિડિટી અને અપચામાં ઉપયોગી માનવામાં આવે છે. અનામિકા આંગણીનો સીધો સંબંધ હૃદય સાથે હોય છે. અનામિકા એટલે રિંગ ફિંગરમાં કુશ બાંધવાથી વ્યક્તિ પિતૃઓ માટે શ્રાદ્ધ કરતી સમયે શાંત અને સહજ રહી શકે છે. કેમ કે, તે વ્યક્તિના શરીરથી અલગ આપણને શીતળતા પ્રદાન કરે છે.