છોટાઉદેપુરના નસવાડી તાલુકાના ખભાંયતા ગામની મહિલાઓ ખભે બેડા લઇ પાણી શોધવા ખેતરોની સીમમાં રઝળપાટ કરવા મજબૂર બની છે. રાયપુર ગ્રામ પંચાયતમાં આવતા આ ગામમાં પાણીની સુવિધા પાછળ કરેલો ખર્ચો હાલ રદબાતલ ગયો હોય તેમ ગ્રામજનો જણાવી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લા કલેકટર પાણી પુરવઠા અધિકારીઓને ગામડામાં પાણીની પરિસ્થિતિ બાબતે ગ્રાઉન્ડ જીરો પર મોકલી પ્રશ્ન હલ કરાવે તે જરૂરી બન્યું છે.
સરકાર નલ સે જલ યોજના અને અન્ય ગ્રાન્ટ થકી પાણી સુવિધા પાછળ લાખ્ખોનો ખર્ચ કરતી હોવા છતાંય ઉનાળામાં પાણીનો પ્રશ્ન હલ થતો નથી. તંત્ર જળસ્તર ઊંડા ગયાની વાત કરે છે. પરંતુ ગામડામાં પાણીના બોર ઊંડા કરવામાં આવતા નથી. જેને લઈ ખેડૂતોના ખેતરોમાં પાણીના બોર ચાલે છે પરંતુ ગ્રામ પંચાયતના બોર ચાલતા નથી. જેને લઇ પાણીનો પ્રશ્ન સર્જાઈ રહ્યો છે. ગ્રાઉન્ડ જીરો પર અધિકારીઓ આવતા નથી. ખંભાયતા ગામની મહિલાઓ પાણી વગર હેરાન બની છે. નિશાળ ફળિયા અને મેણ નદી ફળિયાના પચાસ ઘરોમાં મહિલાઓ પાણી વગર તરસી બની છે.
ખાનગી માલિકના ખેતરમાં પાણી ભરવા જાય અને લાઈટ ન હોય તો ત્યાં મહિલાઓ બેસી રહે છે. તો ખેતર માલિક સિંચાઇનું પાણી પૂરું થાય પછી પાંચસો ફૂટ પાઇપ લંબાવી ગામના ફળિયામાં એક જ જગ્યાએ પાણી આપે છે. બોર, મોટર, હવાડા, ટાંકી, નલ સે જલ યોજના બધું બંધ છે. હવે ગ્રામ પંચાયત અને પાણી પુરવઠા અધિકારીઓ ગામમાં જઇ પાણીનો પ્રશ્ન ક્યારે હલ કરશે તે જોવું રહ્યું.