અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની 2024માં ચૂંટણી યોજાવાની છે ત્યારે વર્તમાન બાઇડેન સરકારે વિઝાનીતિમાં છૂટછાટ આપવાની દિશામાં આગળ વધી રહી છે. ખાસ કરીને ભારતીય મતદારોને આકર્ષવા માટે નિયમોમાં છૂટછાટ મુકાઈ રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ છૂટછાટ પ્રમાણે બાઇડેનની ડેમોક્રેટિક પાર્ટીએ અમેરિકન સંસદમાં નાગરિકતા મુદ્દે એક ખરડો રજૂ કર્યો છે, જેમાં ગ્રીન કાર્ડ માટે વિવિધ દેશોનો ક્વૉટા પૂરો કરવા તથા H-1B વિઝા સિસ્ટમમાં ફેરફાર કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આ ખરડો પસાર થઈ જાય અને એને કાયદાનું સ્વરૂપ આપવામાં આવે તો અમેરિકાનું નાગરિકત્વ લેવાનું ખૂબ જ સરળ થઈ જશે.
ડેમોક્રેટિક પક્ષના સાંસદ લિન્ડા સાંચેઝે ગુરુવારે ‘યુએસ સિટીઝનશિપ એક્ટ, 2023’ નામનું આ વિધેયક રજૂ કર્યું હતું. સાંસદ લીંડા સાંચેઝના કહેવા પ્રમાણે આ ખરડામાં તમામ ગેરકાયદે પ્રવેશેલા 1.1 કરોડ લોકોને નાગરિકતા આપવાનો રોડમેપ તૈયાર કરાયો છે. આ વિધેયકને પગલે ગેરકાયદે પ્રવેશેલા લોકોને કાઢી મૂકવાને બદલે 5 વર્ષ સુધીનું નાગરિકત્વ મેળવવા માટેનો માર્ગ મોકળો કરશે. ઉપરાંત, આ ખરડામાં દરેક દેશના ક્વૉટા રદ કરીને રોજગાર આધારિત ઇમિગ્રેશન પદ્ધતિમાં પરિવર્તનનો પ્રસ્તાવ પણ મુકાયો છે.